શાપર(વે)માં LCBનો દરોડો: વિદેશી દારૂની 144 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજે.
![]()
ગેરેજમાંથી દારૂનો જથ્થો મળ્યો: મનીષ સોદરવા સામે અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુના નોંધાયા હોવાનો પોલીસનો ઉલ્લેખ
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા શાપર(વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટીલાળા ગેઇટની અંદર દાસારામ ઓટો ગેરેજમાં દરોડો પાડીને ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની 144 શીલબંધ બોટલ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,25,144નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડી શાપર(વે) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
પોલીસની વિગતો મુજબ, LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મનીષ બળવતભાઈ સોદરવા (ઉંમર 26, રહે. શિવમ પાર્ક સોસાયટી, શાપર(વે), મૂળ વસપડા, તા. વંથલી, જિ. જૂનાગઢ) દ્વારા **ભાર્ગવ રાજાભાઈ પીપરોતર (ઉંમર 21, રહે. વછરાજ ડેરી ફાર્મ પાછળ, શાપર(વે), મૂળ રાણપરડા, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)**ના કબજા-ભોગવટાના દાસારામ ઓટો ગેરેજમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીલીટરની કુલ 144 શીલબંધ બોટલ, જેની કિંમત રૂ.90,144 થાય છે, તેમજ રૂ.35,000ની કિંમતના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.1,25,144નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મનીષ સોદરવા સામે અગાઉ પણ બે ગુના નોંધાયા
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મનીષ બળવતભાઈ સોદરવા સામે શાપર(વે) પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે. જેમાં ગુના રજિસ્ટર નંબર 0992/2026 તથા 0332/2026નો સમાવેશ થાય છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB રાજકોટ ગ્રામ્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં LCBના PI શ્રી જે.પી. રાવ, PSI શ્રી એચ.સી. ગોહિલ, PSI શ્રી કે.એમ. ચાવડા, PSI શ્રી આર.વી. ભીમાણી, PSI શ્રી પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ASI બ્રીજરાજસિંહ જાડેજા, ASI રોહિતભાઈ બકોત્રા, HC શિવરાજભાઈ ખાચર અને HC પ્રતાપસિંહ સોલંકી જોડાયા હતા.












