ગોંડલના ભરૂડી પાટિયા પાસે પાર્સલ ટ્રકમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એલસીબી રાજકોટ ગ્રામ્યની કાર્યવાહી, રૂ. 23.14 લાખનો મુદ્દામાલ કબજે.
![]()
ગોંડલ, તા. 27/9/26— રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ગોંડલ તાલુકાના ભરૂડી ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે પરથી પાર્સલની આડમાં સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ. 23,14,737ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક **શ્રી વિજયસિંહ ગુર્જર (IPS)**ના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ-જેતપુર હાઇવે પરથી GJ-14-AT-3752 નંબરનો ટાટા ટ્રક પાર્સલની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો લઈને જૂનાગઢ તરફ જવાનો છે.

બાતમીના આધારે ભરૂડી પાટિયા નજીક વાહન રોકી તપાસ કરવામાં આવતા ટ્રકમાં વિવિધ પાર્સલ સાથે લાકડાના બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે દિલાવરભાઈ ઉર્ફે નુરો મહમદભાઈ ચોપડા (ઉ.વ. 46), રહે. સાબલપુર ગામ, જૂનાગઢ અને ઇરફાનભાઈ કાસમભાઈ નારેજા (ઉ.વ. 36), રહે. દોલતપરા, માર્કેટ યાર્ડ પાસે, જૂનાગઢને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 180 એમ.એલ.ની 912 શીલપેક અંગ્રેજી દારૂની બોટલો કિંમત રૂ. 91,200, ટાટા ટ્રક કિંમત રૂ. 5 લાખ, બે મોબાઇલ ફોન કિંમત રૂ. 10 હજાર તથા અન્ય 437 પાર્સલ કિંમત રૂ. 17,13,537 સહિત કુલ રૂ. 23,14,737નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સફળ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ. ચાવડા, પીએસઆઈ એચ.સી. ગોહીલ, પીએસઆઈ આર.વી. ભીમાણી, પીએસઆઈ પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ જયવીરસિંહ રાણા, એએસઆઈ અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ખડીયા, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ સીહાર દ્વારા કરવામાં આવી હતી.












