GUJCTOCની આરોપી અને આંતરજિલ્લા ગેડીયા ગેંગની સાગરીત બિલ્કીશબાનુ જત મલેક રાજકોટ રેન્જ ટીમના હાથે ઝડપાઈ.
![]()
રાજકોટ રેન્જ પોલીસને નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક **નિર્લિપ્ત રાય (IPS)**ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે આંતરજિલ્લા ગેડીયા ગેંગની સાગરીત તેમજ GUJCTOC હેઠળ નોંધાયેલા ગુનાની આરોપી **બિલ્કીશબેન હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક (રહે. ગેડીયા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર)**ને ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ વર્ષ-2020માં ગેડીયા ગેંગ વિરુદ્ધ નોંધાયેલા GUJCTOC ગુનામાં બિલ્કીશબેન જેલમાં રહી ચૂક્યા હતા. વર્ષ-2023માં જામીન પર મુક્ત થયા બાદ તેણે ફરીથી મોટા પાયે અંગ્રેજી દારૂના જથ્થાની હેરાફેરી અને વેચાણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ત્યારબાદ વિવિધ ગુનાઓમાં તે નાસતી-ફરતી હતી.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા, એ.વાય. ઉધાસ, પી.સી. સરતેજા તથા તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ચોક્કસ માહિતી મેળવી હતી. તેના આધારે પોલીસે કમાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી બિલ્કીશબેનને ઝડપી પાડી બજાણા પોલીસ સ્ટેશનને સોંપી હતી.
આરોપી સામે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનમાં રૂ. 2.50 કરોડના અંગ્રેજી દારૂના જથ્થા સંબંધિત બે ગુનાઓ તેમજ અમદાવાદ ગ્રામ્યના સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં રૂ. 82 લાખના અંગ્રેજી દારૂના ગુના સહિત કુલ ત્રણ ગુનાઓમાં વોન્ટેડ હતી.
પોલીસ રેકોર્ડ મુજબ બિલ્કીશબેન વિરુદ્ધ અગાઉથી ચોરી, હત્યાના પ્રયાસ, હથિયાર કાયદા, પ્રોહિબિશન, GUJCTOC તથા PASA સહિતના 12થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીને નાસતા-ફરતા ગુનેગારો સામેની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી બજાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.












