ગોંડલ – જેતપુર હાઇવે પર LCBની ફિલ્મી ઢબે રેડ: ખોડીયાર હોટલ પાસે ગાડીઓ આંતરી 1300 બોટલ વિદેશી દારૂ અને ₹18.60 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, બે ફરાર.
![]()
પાયલોટીંગ સાથે દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: LCBએ ₹18.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
ઇનોવા અને ક્રેટામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં એક આરોપી ઝડપાયો, બે ફરાર આરોપીઓની શોધખોળ તેજ
- રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પિઠડીયા ગામથી જેતપુર તરફ જતાં માર્ગ પર ખોડીયાર હોટલ નજીક જાહેર રોડ પરથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે લક્ઝરી વાહનો ઝડપી પાડતાં દારૂની હેરાફેરીના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રેન્જ આઈજી શ્રી નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને સૂચના હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગોંડલથી જેતપુર તરફ વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી ગ્રે કલરની ઇનોવા કાર તેમજ તેનું પાયલોટીંગ કરતી કાળા કલરની ક્રેટા કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને જોઈને વાહનોમાં સવાર શખ્સો ભાગવાનો પ્રયાસ કરતા એલ.સી.બી.ની ટીમે ગોંડલના પ્રમુખનગર વિસ્તારમાં રહેતા પ્રિન્સ કુરજીભાઈ પરમારને ઝડપી લીધો હતો. જ્યારે ઇનોવા અને ક્રેટા વાહનના ચાલકો વિશાલ સાકરીયા અને જોરૂભાઈ પટગીર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો કાર્યરત કરી છે.
તપાસ દરમિયાન પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂની કુલ 1309 બોટલો કબજે કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે ₹3,43,398ની કિંમતનો વિદેશી દારૂ, ₹2,500 રોકડા, ત્રણ મોબાઇલ ફોન તેમજ બે લક્ઝરી કાર સહિત કુલ ₹18,60,898નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ. જે.પી. રાવ, પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા તથા એલ.સી.બી. સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના જથ્થાનો સ્ત્રોત તથા અન્ય સંડોવાયેલા શખ્સો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.












