ગોંડલ-જેતપુર હાઈવે પરથી ₹89.32 લાખનો મુદ્દા માલ સાથે વિદેશી દારૂ ઝડપાયો, ટ્રકચાલક ફરાર.
![]()
ગોંડલ-જેતપુર હાઈવે પર ઉમવાળા ચોકડી નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસે ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસે સફળ કાર્યવાહી કરી ₹89.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક બંધ બોડીની ટ્રકની તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની નાની-મોટી કુલ 25,416 બોટલો વિદેશી દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹59.32 લાખ થાય છે. ઉપરાંત ₹30 લાખ કિંમતની ટ્રક તેમજ જીપીએસ ટ્રેકર સહિત કુલ ₹89.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન પોલીસને જોઈને ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ પીએસઆઈ એસ.વી. ડાંગર ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સફળ કામગીરીમાં PI જી.એસ. ગઢવી, PSI એસ.વી. ડાંગર, ASI મદનસિંહ ચૌહાણ, ASI રમેશભાઈ પરમાર, HC શક્તિસિંહ જાડેજા, HC નરેશભાઈ રોજસરા, કિશનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ગોહિલ, મહીપાલસિંહ ચુડાસમા, નીલેશભાઈ તથા દીગ્વિજયભાઈ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.












