હનીટ્રેપના જાળમાં ફસાવી ખેડૂતનું અપહરણ, રૂ. 5 લાખની ખંડણીની માંગણી; ગોંડલ બી-ડિવીઝન પોલીસે 4 આરોપીઓને કલાકોમાં ઝડપી પાડ્યા.
![]()
પ્રેમજાળ, ધમકી, મારઝૂડ અને કાર પડાવી લેવાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી પોલીસે રૂ. 5.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
ગોંડલમાં હનીટ્રેપના માધ્યમથી નિર્દોષ લોકોને ફસાવી પૈસા પડાવતી ટોળકીનો પર્દાફાશ કરતા ગોંડલ બી-ડિવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ઝડપી કામગીરીના કારણે એક ખેડૂત સાથે બનેલા અપહરણ, ખંડણી અને ધમકીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી રેપુડીના માર્ગદર્શન હેઠળ ગોંડલ બી-ડિવીઝન પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક ખેડૂતને પૈસા પડાવવાના ઇરાદે પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આરોપી સંગીતાબેને ફરિયાદી સાથે સંપર્ક સાધી તેને ગોંડલ બોલાવ્યો હતો. જ્યાં અન્ય આરોપીઓએ ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીનો મોબાઇલ કબજે કરી રૂમમાં ગોંધી રાખ્યો હતો અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 4 હજાર રોકડા પડાવ્યા હતા.
આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી પાસે રૂ. 5 લાખની માંગણી કરી હતી. રકમ ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદીની અંદાજિત રૂ. 4 લાખ કિંમતની ક્રેટા કાર બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. ત્યારબાદ ચારેય આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી તેની પાસેથી બળજબરીથી લખાણમાં સહી કરાવી હતી.
આ બનાવ અંગે ગોંડલ બી-ડિવીઝન પોલીસ મથકે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સપેક્ટર જે.આર. ઝાલાના નેતૃત્વ હેઠળ અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસે દશરથભાઈ જેન્તીભાઈ સરવૈયા, ઇમરાન મહેમુદશા શાહમદર, હસીનાબેન મહેમુદશા શાહમદર અને સંગીતાબેન મયુરભાઈ અગેચણીયાની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી ફરિયાદીની ક્રેટા કાર, એક સીએનજી રિક્ષા, એક એક્ટિવા મોટરસાયકલ, પાંચ મોબાઇલ ફોન, બનાવમાં વપરાયેલી છરી, રોકડ રકમ તેમજ બળજબરીથી લખાવવામાં આવેલા દસ્તાવેજો સહિત કુલ રૂ. 5,51,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.આર. ઝાલા, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, દિનેશભાઈ વીરજીભાઈ, ઓમદેવસિંહ વનરાજસિંહ, વિપુલભાઈ ધનજીભાઈ, સુરપાલસિંહ જયદેવસિંહ, મહિપાલસિંહ મહોબતસિંહ, હિતેન્દ્રસિંહ રાયુભા તથા નીમુબેન બચુભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી..
– જાહેર જાનતા જોગ સંદેશો –
આથી ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશન જી.રાજકોટ ગ્રામ્ય પોલીસ ની ગોંડલ ની જનતા ને અપીલ કરવામાં આવે છે કે, કોઇપણ લોકો ઉપરોકત આરોપીઓના કે અન્ય કોઇપણ આરોપીઓના હનીટ્રેપ – કે બળજબરીથી પૈસા પડાવાના બનાવમાં ભોગ બનેલ હોય તો તેઓ મુકતપણે ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો તાત્કાલીક રૂબરૂ અથવા ફોન નંબર- ૬૩૫૯૬ ૨૫૭૦૯ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.












