ગોંડલમાં પીળા પત્રકારત્વનો રાફળો ફાટ્યો.
![]()
અસામાજિક તત્વો પાસેથી હપ્તા ઉઘરાવવાના આક્ષેપો, શહેરમાં ચર્ચાનો વિષય
ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીળા પત્રકારત્વ અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કેટલાક કથિત પત્રકારો સામે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઈસમો પાસેથી હપ્તા ઉઘરાવવાના તથા તોડબાજી કરવાના આક્ષેપો સામે આવતા સમગ્ર પત્રકાર જગતમાં ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક લોકો પત્રકારનો હોદ્દો અને પ્રેસ કાર્ડનો દુરુપયોગ કરીને વેપારીઓ, નાના ધંધાર્થીઓ તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ પર દબાણ બનાવી રહ્યા હોવાના આરોપો ઉઠ્યા છે. સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી પૈસા ઉઘરાવવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હોવાની ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે.
જાગૃત નાગરિકોનું માનવું છે કે આવા તત્વોના કારણે સચ્ચા અને નિષ્ઠાવાન પત્રકારોની છબી પણ ખરાબ થઈ રહી છે. પત્રકારત્વ જે સમાજનો ચોથો સ્તંભ માનવામાં આવે છે, તેની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું થવું ચિંતાજનક બાબત ગણાઈ રહી છે.
કેટલાક સામાજિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે પત્રકાર તરીકે ઓળખ આપનાર વ્યક્તિઓની પ્રમાણિકતા ચકાસવામાં આવે તેમજ બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. શહેરના લોકોનો મત છે કે સત્ય પત્રકારત્વને બચાવવા માટે આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ જરૂરી બની ગયું છે.
પોલીસ તંત્ર સુધી પણ કેટલીક મૌખિક ફરિયાદો પહોંચ્યાની ચર્ચા છે, જોકે સત્તાવાર રીતે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ હોવાની પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી. જો યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો હકીકત બહાર આવશે તેવી જનચર્ચા ચાલી રહી છે.
ગોંડલ જેવા શાંતિપ્રિય શહેરમાં પત્રકારત્વની આડમાં ચાલતી પ્રવૃત્તિઓ સામે સમયસર પગલાં લેવાશે તો સચ્ચા પત્રકારોનું માન-સન્માન જળવાઈ રહેશે અને સમાજમાં વિશ્વાસનો માહોલ મજબૂત બનશે.












