ગોંડલ નગરપાલિકાનું ₹250 કરોડનું ફુલગુલાબી બજેટ સર્વાનુમતે મંજૂર.
![]()
ગોંડલ નગરપાલિકાની વર્તમાન બોડીની અંતિમ જનરલ બોર્ડ બેઠકમાં ₹15 કરોડની પુરાંત સાથે કુલ ₹250 કરોડનું ફુલગુલાબી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં નગરસેવા સદન બાજપાઈ ભવન ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ વિકાસકાર્યોને લીલીઝંડી અપાઈ.
કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજાએ અગીયાર એજન્ડા સાથે અંતિમ બજેટ રજૂ કર્યું હતું. ધારાસભ્ય ગીતાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બજેટમાં આઇકોનિક રોડ, ગોંડલી નદી પર રિવરફ્રન્ટ, ટ્રીટેડ વોટર ડ્રેનેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઇ-લાઇબ્રેરી સહિતના મોટા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
**મુખ્ય પ્રોજેક્ટ્સ:**
* ₹10 કરોડ – ટ્રીટેડ વોટર ડ્રેનેજ
* ₹10 કરોડ – ગોંડલી નદી રિવરફ્રન્ટ
* ₹13 કરોડ – બિક્સ કલ્વર્ટ કામ
* ₹20 કરોડ – શહેરી સડક યોજના
* ₹7 કરોડ – ઇ-લાઇબ્રેરી
* ₹11 કરોડ – આઉટગ્રોથ વિસ્તાર રોડ
* ₹5 કરોડ – રૂફટોપ સોલાર પાર્ક
* ₹5 કરોડ – આઇકોનિક રોડ
* ₹10 કરોડ – સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
* ₹27 કરોડ – અમૃત સિટી યોજના
ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસે ગોંડલના દુરંદેશી રાજવી સર ભગવતસિંહજીને યાદ કરી વર્તમાન બોડીએ પાંચ વર્ષમાં પ્રજાલક્ષી વિકાસ કાર્યો આગળ વધાર્યાનો ઉલ્લેખ કર્યો અને તમામ સભ્યોનો આભાર માન્યો.

ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ગોંડલના તમામ 11 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા અને પ્રથમવાર વિપક્ષ વિહિન નગરપાલિકા રચાઈ હતી. આગામી મહીનાઓમાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાથી આજની બેઠક વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક બની રહી.












