ગોંડલના આંગણે ટેલેન્ટનો મહાકુંભ ‘ગંગોત્રી યુથ કાર્નિવલ’ ભવ્ય સફળતા સાથે સંપન્ન: 10,000થી વધુ લોકોએ માણી કલા-શક્તિની હેલી.

Loading

ગોંડલ: ગોકુળિયા ગોંડલમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ‘ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સ’ દ્વારા વિદ્યાર્થીઓની છુપાયેલી કલા-શક્તિઓને મંચ પૂરું પાડવા માટે આયોજિત બે દિવસીય ‘ગંગોત્રી યુથ કાર્નિવલ’નું ભવ્ય સમાપન થયું છે. કડવા પટેલ સમાજ ખાતે આયોજિત આ ઉત્સવનો પ્રારંભ આધ્યાત્મિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો.

ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપ છોટાળા, ખીજડા વાળા મામાદેવના મહંત ચંદુબાપુ, અને સ્વામી શુભાત્માનંદ સરસ્વતીજીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે પ્રિ-સ્કૂલની નાની બાળાઓએ દેવી સ્વરૂપે ઉપસ્થિત રહી અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર સાથે પૂજા કરાવવામાં આવી હતી.

આ કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ વિશેષ રહ્યું હતું, જેમાં પ્રાયમરી વિભાગના નાના ભૂલકાઓએ દેશભક્તિ અને આધ્યાત્મિક સંગીત પર શાનદાર પરફોર્મન્સ આપીને સૌના દિલ જીતી લીધા હતા. કાર્નિવલની અન્ય વિશેષતાઓમાં પ્રાચીન વારસો અને આધુનિક ટેકનોલોજીનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો, જેમાં AI ઝોન, સાયન્સ-મેથ્સ પ્રોજેક્ટ્સ, સિક્કા પ્રદર્શન અને આર્ટ એન્ડ ક્રાફ્ટ મુખ્ય રહ્યા હતા. ખાસ કરીને, ગૌસેવાના લાભાર્થે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિશેષ મેજિક શો જીવદયાના ઉમદા હેતુને કારણે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પરંતુ વ્યવહારુ જ્ઞાન પણ મેળવે તે હેતુથી ફૂડ અને બિઝનેસ ઝોન દ્વારા પ્રેક્ટિકલ વેપાર કેવી રીતે કરવો તેના પાઠ શીખ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ‘બેસ્ટ સેલિંગ’, ‘ક્રિએટિવ આઈડિયા’, અને ‘બેસ્ટ પ્રેઝન્ટેશન’ જેવા વિવિધ વિષયો પર શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની પૂર્ણાહુતિએ સંસ્થાના ચેરમેન સંદીપ સર છોટાળાએ વિદ્યાર્થીઓના આ ભગીરથ પ્રયાસને મુક્ત કંઠે બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો ખીલે છે. બે દિવસ દરમિયાન 10,000 થી વધુ લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અંતમાં ગંગોત્રી પરિવાર દ્વારા તમામ વાલીઓ, નગરજનો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!