રીબડા ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહ જાડેજા પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવતી પોલીસ :પોલીસે પેટ્રોલ પંપ તથા ફાર્મહાઉસ લઇ જઇ તપાસ હાથ ધરી.
રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિક જાડેજાને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કેરળમાંથી ઝડપી લીધા બાદ સુરત પોલીસને સોંપ્યો હતો. ત્યાંથી ગઇકાલે ગોંડલ તાલુકા પોલીસે તેનો કબજો મેળવી ગોંડલ લઇ આવી હતી. અને તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જે દરમ્યાન આજે પોલીસે રીબડા પેટ્રોલ પંપ પર લઇ જઇ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ રીબડાના રાજદિપસિંહ જાડેજા તથા પિન્ટુભાઈ ખાટડી સાથે ચાલી આવતી જૂની અદાવતના કારણે મુળ અડવાળ ગામનો હાર્દિકસિંહ જાડેજાએ ભાડુતી ગુંડાઓ દ્વારા અનિરૂદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવડાવ્યુ હતું. બનાવ અંગે પલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી. જે દરમ્યાન સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે હાર્દિકને કેરળમાંથી ઝડપી
લઇ ગુજરાત લાવ્યો હતો અને સુરતના લૂંટના ગુનામાં ફરાર હાર્દિકને સુરત પોલીસને સોંપી દીધો હતો. જે તપાસ પૂર્ણ થતા ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસે તેનો કબજો મેળવી ગોંડલ ખાતે લઈ આવી હતી.
જ્યાં ગઈકાલે હાર્દિકને કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. ફાયરિંગ કરનાર આરોપીને હથિયાર અને બાઈક કોણે આપ્યુ તે અંગે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આજે ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર સહિતનો સ્ટાફ હાર્દિકને રીબડા ખાતે આવેલ પેટ્રોલ પંપ પર લઇ ગયા હતાં અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતું અને બનાવ અંગે પૂછપરછ હાથ ધરી હતી. ફાયરિંગ કરનારને કોણે હથિયાર તથા બાઇક આપ્યું તે અંગે તપાસ ચાલી રહી છે.
શુ છે ગોંડલ ના રિબડા ફાયરિંગ ઘટના નો કેસ?
ગત ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર રાત્રિના ૧:૦૦ વાગ્યા આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે ફરજ બજાવનારા વ્યક્તિ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ઘટના બાદ હાર્દિકસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી પર વિડિઓ સ્ટોરી મૂકી પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને રાજદીપસિંહ જાડેજાને ધમકી પણ આપી હતી.ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ૩૨ વર્ષીય ઈરફાન ઉર્ફે સીપા કુરેશી, ૨૮ વર્ષીય અભિષેક કુમાર અગ્રવાલ, ૨૯ વર્ષીય પ્રાંશુ કુમાર અગ્રવાલ તેમજ ૨૬ વર્ષીય વિપિનકુમાર જાટ સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરફાન પર અમદાવાદમાં ૨૭ ગુના નોંધાયેલા છે.