રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ફાયરિંગ : બાઈક પર ધસી આવેલ બુકાનીધારી બેલડીએ એક રાઉન્ડ ફાયર કર્યું : ગોળી કાચમાં લગતા સદનસીબે કોઈ જાનહાની નહિ.
પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઉપર આશંકા વ્યક્ત કરાઇ પણ હાર્દીકસિહે ફાયરીંગ ની જવાબદારી સ્વિકારતો વિડીયો વાયરલ કરતા બનાવ માં જયરાજસિંહ ને ક્લિનચિટ:ગોંડલ પંથક માં ખળભળાટ.
ગોંડલ પંથક માં હમેંશા ચર્ચામાં રહેતા રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર બુકાનીધારી બે શખ્સોએ બાઇક પર મોડી રાત્રે આવી ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી જનાર બન્ને શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે બન્ને બુકાનીધારીઓ ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.બનાવ અંગે ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ માં શંકા વ્યક્ત કરાઇ હતી.પરંતુ બનાવ ની થોડી મીનીટો માં હાર્દિકસિંહ જાડેજા નામનાં વ્યક્તિ એ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કરી ફાયરિંગ ની જવાબદારી સ્વીકારતા બનાવ માં જયરાજસિંહ ને કોઈ લેવાદેવા નહી હોવાનું સ્પષ્ટ થયુ હતું.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમમાં ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદભાઇ રહીમભાઈ ખોખર નામના 38 વર્ષીય યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૨૩/૦૭/૨૦૨૫ ના રાત્રીના આઠ વાગ્યે હુ રીબડા પેટ્રોલીયમ ખાતે નોકરી પર આવેલ હતો. પેટ્રોલ પંપ ખાતે મેનેજર જગદીશસિંહ ચંદુભા ગોહિલ (રહે.મવડી ચોકડી, રાજકોટ) પણ હાજર હતા. મોડી રાત્રીના વાહનો ઓછા આવતા હોય જેથી પેટ્રોલ પંપની ઓફીસ આવેલ હોય તેમા અમે બેસતા હોઇએ છીએ અને જ્યારે કોઈ વાહન આવે ત્યારે પેટ્રોલ પુરીને પાછા ઓફીસમા જતા રહીએ છીએ.
વધુમાં જાવેદભાઇ એ જણાવ્યું કે ગત મોડી રાત્રે હું ઓફીસમા બાકડા ઉપર સુતેલ હતો અને મારા મોબાઇલમા ગેમ રમતો હતો. જયારે મેનેજર જગદીશસિંહ બાજુમા આરામ કરવા જતા રહેલ હતા. દરમ્યાન તા.૨૪/૦૭/૨૦૨૫ ની રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ અચાનક ઓફીસના કાચ ઉપર ફાયરીંગ થયેલ હતું જેથી કાચ તુટી ગોળી અંદર આવેલ અને ઓફીસમા રહેલ મંદિરના ખુણા ઉપર લાગતા મંદિરનો લાકડાનો ટુકડો તુટી નીચે પડી ગયેલ હતો. જેથી મે તરત જ ઉભો થઈને ઓફીસના દરવાજે આવી જોયુ તો બાઇક ઉપર મોઢે રૂમાલ બાંધેલ બે અજાણ્યા શખ્સો હાજર હતા. જે બંને મને જોઈ જતાં મારી સામે પણ બંદુક ટાંકેલ હતી. જેથી હુ ગભરાઇ ગયેલ અને ઓફીસની અંદર દોડીને જતો રહેલ હતો.
બીજી બાજુ ફાયરીંગનો અવાજ સાંભળીને મેનેજર જગદીશસિંહ ઓફીસના અંદરના રૂમમાંથી બહાર આવેલ અને મને પુછેલ કે શુ થયુ? જેથી મે કહેલ કે ફાયરીંગ થયુ છે. દરમિયાન ફાયરિંગ કરનાર બંને શખ્સો પોતાનું બાઇક લઈને નાસી ગયા હતા. બાદમાં મેનેજર જગદીશસિંહએ પેટ્રોલપંપના માલીક જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા તથા રીબડા ગામના સત્યજીતસિંહ જાડેજાને ફોન કરી બનાવની જાણ કરતા જયદીપસિંહ અને સત્યજીતસિંહ બન્ને પેટ્રોલ પંપ ખાતે દોડી આવ્યા હતા. બાદ ઓફિસ ખાતે જોતા આવેલા દરવાજા પાસે ગોળી પડેલ અને ઓફીસના બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખુ પડેલ જોવા મળ્યું હતું.
ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ફાયરિંગની ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી. અજાણ્યા શખ્સો મારફતે ગોંડલના જયરાજસિંહ ટેમુભા જાડેજાએ ફાયરિંગ કરાવ્યાની આશંકા પણ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી હતી.
બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 109,54 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે એલસીબી, એસઓજી સહીતની ટીમે અલગ આલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સમગ્ર ઘટનામાં એક તરફ જયરાજસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જયારે બીજી બાજુ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે પોસ્ટ કરેલા વીડિયોમાં હજી તો આ ટ્રેલર છે, હજુ ઘર ઉપર પણ ફાયરિંગ કરાવી શકતો હતો પણ તમે બંને(અનિરુદ્ધસિંહ – રાજદીપસિંહ) બંને ફરાર છો એટલે ઘર પર ફાયરિંગ ન કરાવ્યું. વધુમાં રાજદીપસિંહ અને પીન્ટુભાઇ ખાટડી તમને બંનેને મરાવી જ નાખીશ તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાર્દિકસિંહે રાજદીપસિંહ ને બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરી ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજા મૂળ ભાવનગર જિલ્લાના અડવાળ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ અગાઉ તે હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો હોય અને તે ગુનામાં પેરોલ મેળવી ભૂગર્ભમાં ઉતરી ગયાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસે હાલ તેની શોધખોળ શરૂ કરી છે.
ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો મુક્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાન ધર્મેન્દ્રસિંહ રાણા ઉર્ફે પીન્ટુભાઇ ખાટડીના પુનિતનગર વિસ્તારમાં આવેલ મકાનનો ફોટો મૂકી પિન્ટુ તારા ઘરની ફૂલ રેકી થઈ ગઈ છે, હવે તારો વારો છે, તું નહિ મળે તો તારા ઘરના માર ખાશે, તું જો., તેવી ધમકી સોશિયલ મીડીયામાં આપવામાં આવી હતી.હાર્દિકસિંહ જાડેજાએ થોડા અંતરે આ બન્ને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા.