ઇલેક્શન કમિશન બપોરે 3 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે : 6-7 તબક્કામાં મતદાન થવાની શક્યતા.

ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગ્યે હશે. એને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે. 6-7 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે.
એક દિવસ પહેલાં જ બે કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનરે શુક્રવાર 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે. પંચના ત્રણ અધિકારીએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું.
2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીપંચે તમામ 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સંબંધિત વિશેષ સારાંશ સુધારણા 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો. પંચે જણાવ્યું હતું કે 18થી 29 વર્ષની વય જૂથના 2 કરોડ નવા મતદારો મતદાનમાં જોડાયા છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6%નો વધારો થયો છે. ચૂંટણીપંચે કહ્યું- 96.88 કરોડ મતદારો જે વિશ્વમાં સૌથી વધુ છે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે નોંધાયેલા છે. આ ઉપરાંત લિંગ ગુણોત્તર પણ 2023માં 940થી વધીને 2024માં 948 થયો છે.


2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.

લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે આ સાથે રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાશે. જેને લઈને ચૂંટણી પંચ શનિવારે ગુજરાત વિધાનસભા પેટા-ચૂંટણીની તારીખોનું પણ એલાન કરશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ છ બેઠક પરથી પેટાચૂંટણી થશે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. આ જોતાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે.


182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે તો પરિણામો રસાકસીવાળા બની રહેશે

error: Content is protected !!