ગોંડલના બંને ઐતિહાસિક પુલનું હેરિટેજ વેલ્યૂ સાથે રિપેરિંગ કરાશે.
ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલા કેસની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા એક સોગંદનામું કરીને જણાવવામાં આવ્યું હતું કે, ગોંડલના બંને ઐતિહાસિક પુલનું રિનોવેશન, રિસ્ટોરેશન અને રિપેરિંગ કામ તેનો વારસો અને વૈભવ જળાવય એ રીતે કરવા માટેનો નિર્ણય કરાયો છે. લગભગ એકાદ વર્ષની અંદર બંને પુલનું કામ પૂર્ણ થશે અને ત્યારબાદ માત્ર હળવા વાહનોની અવર-જવર માટે તેમને ખોલવામાં આવશે.
જ્યારે કે ભારે વાહનોના યાતાયાત માટે નવા બે પુલ બનાવવામાં આવશે. જેનું નિર્માણ આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.’ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણીના અંતે અર્બન ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને નિયમિત ધોરણે પુલના રિપેરિંગ અને રિસ્ટોરેશન માટેના ડીપીઆર સહિતના કામનું મોનિટરિંગ કરવાનું રહેશે અને છઠ્ઠી મેના રોજ તમામ કામનો પ્રગતિ અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
આ મામલે સુનાવણી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલાં સોગંદનામા પ્રત્યે હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી અને તેથી સરકારે તાત્કાલિક સાંજ સુધીમાં જરૂરી સુધારા સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવશે એવી રજૂઆત કરી હતી. સરકારે રજૂઆત કરી હતી કે બંને પુલના રિનોવેશન અને રિપેરિંગ માટે ત્રણથી ચાર મહિનામાં ડીપીઆર કરવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડરિંગની પ્રક્રિયા કરીને એક વર્ષમાં રિનોવેશન પૂર્ણ કરાશે. હાલ બંને પુલ બંધ હોવાથી વાહનોને ૧૦થી ૧૨ કિમી ફરીને જવું પડે છે.
જે મુશ્કેલીને દૂર કરવા માટે નવા બે પુલ બનાવવામાં આવશે. જેના માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર જોડે અમુક જમીન છે અને એનો થોડો હિસ્સો ખાનગી પ્લોટનો છે. તેથી એ પ્રક્રિયા પૂર્ણ કરીને બે વર્ષમાં બે નવા પુલ તૈયાર કરી દેવામાં આવશે. ગત સુનાવણીમાં ખંડપીઠે સરકારને વેધક ટકોર કરી હતી કે,’આ મામલે વર્ષો સુધી સરકારે કંઇ કર્યું નથી અને હવે હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ સરકાર સફાળી જાગી છે.