અનીડા ભાલોડી ગામે વ્યાજખોરોના ત્રાસથી નો પ્રૌઢએ આપઘાત કર્યો.
વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધાના છાસવારે બનાવો બનતા હોય છે, ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતાં પ્રૌઢએ બે વર્ષ પહેલાં દીકરીના લગ્નમાં વ્યાજે પૈસા લીધાં હતાં. જે પૈસા બાબતે વ્યાજ માફીયાઓ વારંવાર માનસીક ત્રાસ આપતા જેથી કંટાળી પ્રૌઢએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતાં ગોવિંદભાઈ છગનભાઈ લીંબાણી (ઉ.વ.56) એ બે વર્ષ પહેલાં દિકરીના લગ્ન હોવાથી જગદીશ પાસેથી 30 હજાર, મહેશ છગન પાસેથી 40 હજાર અને ચંદ્રેશ ભૂરા વૈષ્ણવ પાસેથી 60 હજાર અને ઉંબાળા ગામના એક વ્યક્તિ પાસેથી 35 હજાર પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતાં.ઉપરાંત અન્ય વ્યક્તિ પાસેથી પણ અઢી લાખ પાંચ ટકા લેખે લીધાં હતાં.
મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે ઉંબાળા ગામનો એક શખ્સ તેમજ જગદીશ, મહેશ ભાલોડિયા, અને ચંદ્રેશ વૈષ્ણવ આ ચારેય ગોવિંદભાઈને વારંવાર ફોન દ્વારા વ્યાજના પૈસા બાબતે માનસિક ત્રાસ આપતા હતા. જેથી છેવટે કંટાળી આજે ગોવિંદભાઈ લીંબાણીએ પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તાકિદે ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.જ્યાં સારવારમાં પ્રૌઢએ દમ તોડી દિધો હતો. મૃતક દરજી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દિકરી છે. તેમજ તેઓ ચાર ભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરના હિવાનું પરીવારજનોએ જણાવ્યું હતું.