ગોંડલના કમઢિયામાં યુવકનું કુદરતી મોત નહીં હત્યા હતી: પત્ની શંકાના દાયરામા.
કમઢિયા ગામે રહેતા યુવકની તેના જ ઘરમાં છત પરથી ગળે ચૂંદડી વીંટેલી હાલતમાં નવ માસ પૂર્વે મળેલી લાશની ઘટનામાં યુવકનું કુદરતી રીતે નહીં પરંતુ હત્યા કરાયાનો ઘટસ્ફોટ થતાં મૃતકના પિતાની ફરિયાદ આધારે શકદાર આરોપી તરીકે દર્શાવી મૃતકની પત્ની સામે જ ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી, સાંયોગિક પુરાવા એકત્રિત કરવા તેમજ હત્યાના ખરા આરોપી કોણ તે શોધવા કવાયત આરંભી છે.
બનાવ સંદર્ભે પોલીસ સૂત્રોની વિગતો મુજબ કમઢિયા ગામે રહેતા મુકેશ ડાયાભાઈ પરમાર ઉ.વ.૪૫ની ગત વર્ષ તા.૨૬-૫-૨૦૨૩ના રોજ મોડી રાત્રે તેના જ ઘરની છત પરથી ગળે ચૂંદડી બાંધેલી તેમજ મોઢા, ગળાના ભાગે ઉજરડા થયેલી લાશ મળી હતી. તબીબો મોતમાં પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેક દર્શાવ્યો હતો. જે તે સમયે મોત શંકાસ્પદ હોવાની મૃતકના પિતા પરિવારની માગણી સાથે ફેરેન્સિક પીએમ કરાવાયું હતું.
ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું. જેથી યુવકને હાર્ટએટેક નહીં પરંતુ હત્યા કરાયાની શંકા વધુ દ્રઢ બની હતી. યુવકના મોઢા તથા ગળાના ભાગે પણ ઉજરડા હતા. હાર્ટ એટેક આવે તો આવા કોઈ ચિન્હો ન હોય તેમજ ગળે ચૂંદડી શા માટે હતી? તે પ્રશ્ર્નો ઘટના વખતે મૃતકના પરિવારજનો સાથે તપાસનીશ પોલીસને પણ થયા હશે.
ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા થયાનું સ્પષ્ટ થતાં ગઈકાલે મૃતક મુકેશના પિતા ડાયાભાઈએ ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ડાયાભાઈને સંતાનમાં ત્રણ પુત્ર એક પુત્રી છે. પરિણીત છે. બધા પરિવાર સાથે અલગ રહે છે ઘટનાની પૂર્વ સંધ્યા તા.૨૫ના રોજ સાંજે મુકેશ બાઈક લઈને ગામના પાદરેથી નીકળ્યો હતો ત્યારે ત્યાં અન્યો સાથે બેઠેલા પિતા ડાયાભાઈ સાથે ખેતીકામ વિશેની વાત કરી કામ સોંપ્યું હતું.
મોડી રાત્રે મુકેશના પત્નીનો ડાયાભાઈને ફોન આવ્યો કે જલ્દી ઘરે આવો કહીને રડવા લાગી હતી. ડાયાભાઈ સહિતના મુકેશના ઘરે જતાં છત પર મુકેશની લાશ અર્ધુ ગોદડું ઓઢેલી ગળામાં ચૂંદડી તથા ચહેરા પર ઉજરડા પડેલી હતી. પુત્રવધૂ (મુકેશની પત્ની) કંચન તથા મુકેશની પુત્રી પુનમ બન્ને નીચે મકાનમાં ઓસરીમાં રડતા હતા. પુત્ર ગોપાલ ‚રૂમમાં સૂત્રો હતો.
જે-તે સમયે જ મૃત્યુ અંગે શંકા હતી. ગોંડલ હોસ્પિટલમાં તબીબે હાર્ટએટેક જેવું લાગે છે તેમ વાત કરતા પોલીસ સમક્ષ હત્યાની શંકા વ્યકત કરી લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં લવાઈ હતી. જે રિપોર્ટ હવે આવતા રિપોર્ટ આધારે મૃતકની પત્ની કંચન સામે જ સસરા ડાયાભાઈએ શંકા વ્યકત કરતા આરોપ સાથે હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
શંકાસ્પદ દર્શાવાયેલી મુકેશની પત્નીનો શું રોલ છે તેને હત્યા કરી છે કરાવી છે કે, તેનો હત્યામાં કોઈ રોલ નથીને કોઈ ત્રાહિત પાત્ર છે સહિતના મુદાઓ પોલીસ ચકાસી રહી છે. આરોપોના આધારે પોલીસે હાલતો હત્યાના ખરા આરોપી કોણ? તે શોધવા વૈજ્ઞાનિક ઢબે તેમજ પોલીસના અન્ય તપાસના પાસાઓ સાથે પીએસઆઈ જે.એમ.ઝાલા તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે.
પિતાને સાંજે ખેતી કામની ભલામણ કરીને રાત્રે મૃત્યુ થયાનો ફોન આવ્યો
મુકેશે પોતાને કાલે બહાર ગામ જવાનું છે તો ગોડાઉનથી ખાતર લઈ ટ્રેકટરથી વવડાવી દેજોની વાત તા.૨૫ની સાંજે પિતા ડાયાભાઈને કરી હતી. રાત્રે ડાયાભાઈ ઘરે જઈને સુઈ ગયા હતા અને મોડી રાત્રે ડાયાભાઈ પર પુત્રવધૂ કંચનનો ફોન રણકયો કે જલ્દી ઘરે આવો. ડાયાભાઈ પુત્રના ઘરે પહોંચતા જ કંચન અને તેની પુત્રી મકાનમાં નીચે ઓસરીમાં રડતા હતા અને પુત્ર મુકેશની મકાનના છત પર લાશ પડી હતી.