સો વર્ષ કરતાં પણ જૂના બ્રિજની મરામતમાં સરકારના વલણની હાઈકોર્ટે ટીકા કરી:ગોંડલ હેરિટેજ બ્રિજ: સમારકામ મામલે સરકાર ટાઈમપાસ કરી રહી લાગે છે, HC.
ચોક્કસ સમય મર્યાદામાં ક્યારે સમારકામ પૂર્ણ કરો છો તેની સંપૂર્ણ વિગતો માગી
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ગોંડલ શહેરમાં આવેલા સો વર્ષથી પણ જૂના બે હેરીટેજ બ્રિજની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલી પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આજે નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરીને લઇ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઈકોર્ટની ખંડપીઠે માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, પસ્તુત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ જણાઇ રહી છે. હાઇકોર્ટે બંને બ્રિજના રીપરીંગને લઇ ચોક્કસ સમયમર્યાદા સાથેની ટાઇમલાઇન સહિતની વિગતો સરકાર પાસે માંગી હતી.
આજે આ કેસની સુનાવણીમાં સરકારપક્ષ તરફથી હાઈ કોર્ટનું ધ્યાન દોરાયું કે, બ્રિજના રીપેરીંગ સંદર્ભે શહેરી વિકાસ વિભાગ દ્વારા યુથ એન્ડ સ્પોર્ટસ ઓથોરીટીને પત્ર લખવામાં આવ્યો છે, તેથી હાઇકોર્ટે તેને લઈ સવાલ ઉઠાવ્યો હતો અને ટકોર કરી હતી કે, આમાં સ્પોર્ટ્સ ઓથોરીટી સમક્ષ કયાં જવાની જરૂર હતી? શહેરી વિકાસ વિભાગ સીધો જ આર્કિઓલોજીકલ વિભાગનો સંપર્ક કરી જ શકે છે. સરકાર ઘણીવાર હાથે કરીને વાતને ગૂંચવી નાંખે છે. આ કંઈ એવો પ્રશ્ન નથી કે, જેના માટે વર્ષો સુધી રાહ જોવી પડે. હાઈકોર્ટે સરકારપક્ષને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હવે તમે બ્રિજના રીપેરીંગ અને મરામતને લઇ ચોક્કસ સમયમર્યાદા સાથેની ટાઇમલાઇન અમને આપો. અગાઉ હાઈકોર્ટે સરકારપક્ષને એવી પણ સ્પષ્ટ તાકીદ કરી હતી
કે, બંને બિજ હેરીટેજ અને ૧૦૦ વર્ષ કરતાં પણ જૂના પ્રાચીન હોવાથી હેરીટેજ(ઐતિહાસિક વારસા)ને નુકસાન ના થાય તે પ્રકારે રીપેરીંગ કાર્ય હાથ ધરવાનું રહેશે. ગોંડલના આ બંને ઐતિહાસિક પ્રાચીન બ્રિજ મુદ્દ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ગોંડલ શહેરમાં બે અતિ પ્રાચીન એટલે કે, સો વર્ષથી પણ જૂના એવા બે હેરીટેજ બ્રિજ આવેલા છે.
આ બ્રિજનું નિર્માણ મહારાજા ભગવતસિંહજીના શાસન દરમ્યાન કરવામાં આવ્યું હતું. એટલે, આશરે સોથી સવા સો વર્ષ જૂના આ બિજ હોવાનું મનાઇ રહ્યું છે. ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘી બા સ્કૂલ પાસે આ આવેલા આ બંને બ્રિજની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત બની છે પરંતુ તેમછતાં આ બ્રિજ પર લોકોની આવનજાવન અને વાહનચાલકોની અવરજવર માટે ચાલુ રાખવામાં આવ્યા છે. બ્રિજની જર્જરિત અને બિસ્માર હાલતને લઈ તેનું તાત્કાલિક સમારકામ અને જાળવણી કરવું ખૂબ જરૂરી બન્યું છે, અન્યથા મોરબી ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાવાની પૂરી દહેશત છે.