Rajasthan Road Accident: ભુજના ડોક્ટર પરિવારને રાજસ્થાન પાસે નડ્યો અકસ્માત, 18 મહિનાની બાળકી સહિત 5ના મોત.
રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી પસાર થઇ રહેલા ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર એસયુવી કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ બનાવમાં કચ્છના ભુજના ડોક્ટર પરિવાર સહિત પાંચ ના મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને એક 18 મહિનાની બાળકીનો સમાવેશ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ભુજનો બે પરિવાર શ્રીગંગાનગરથી પરત ફરી રહ્યો હતો ત્યારે રાજસ્થાનના બિકાનેર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચા બોલી ગયા હતા. કારમાં સવાર પાચેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. કારનો કાટમાળ હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વીની ગૌમત ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતદેહોને પીએમ અર્થે નોખાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, 18 મહિનાની બાળકી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. પુજા અને તેમના પતિનું મોત નીપજ્યું છે. બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બનાવના બગલે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.