સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો.
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે.
ચીફ જસ્ટિસે કહ્યું, ‘પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્ત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી, તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે, જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે SBIને કહ્યું- બોન્ડ ઈશ્યુ કરવાનું બંધ કરી દો સુપ્રીમ કોર્ટે બેંકોને ઈલેક્ટોરલ બોન્ડ ઈસ્યુ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે પણ કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 12 એપ્રિલ, 2019 થી અત્યાર સુધી ખરીદવામાં આવેલ ચૂંટણી બોન્ડ વિશે માહિતી ચૂંટણીપંચને જણાવે. આ માહિતી વેબસાઈટ પર પણ જાહેર કરો.
ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે રાજકીય પક્ષોના ફંડિંગની માહિતી જાહેર ન કરવી એ હેતુની વિરુદ્ધનું છે. SBIએ 12મી એપ્રિલ 2019થી અત્યાર સુધીની માહિતી જાહેર કરવી પડશે. SBIએ આ માહિતી ચૂંટણીપંચને આપવાની રહેશે. EC આ માહિતી શેર કરશે. SBIએ ત્રણ અઠવાડિયામાં આ માહિતી આપવી પડશે.
1. SBI એ રાજકીય પક્ષોની વિગતોની માહિતી જાહેર કરવી જોઈએ જેમણે 2019થી ચૂંટણી બોન્ડ દ્વારા દાન મેળવ્યું છે.
2. SBI એ રાજકીય પક્ષ દ્વારા રોકડ મેળવવામાં આવેલ દરેક ઈલેક્ટોરલ બોન્ડની વિગતો આપવી જોઈએ, રોકડ કરાવ્યાની તારીખની વિગતો પણ આપવી જોઈએ.
3. SBIએ 6 માર્ચ 2024 સુધીમાં ચૂંટણીપંચને તમામ માહિતી આપે અને ચૂંટણીપંચે તેને 13 માર્ચ સુધીમાં તેની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરે.
4. કાળાં નાણાંને ડામવા માટે રાજકીય દાનની ગુપ્તતા પાછળનો તર્ક યોગ્ય નથી. આ માહિતી અધિકારનું ઉલ્લંઘન છે.
5. કંપની એક્ટમાં સુધારો એ એક મનસ્વી અને ગેરબંધારણીય પગલું છે. આનાથી રાજકીય પક્ષોને કંપનીઓ દ્વારા અમર્યાદિત ભંડોળ મેળવવાનો માર્ગ ખૂલ્યો.
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે (15 ફેબ્રુઆરી) પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ત્રણ દિવસની સુનાવણી બાદ 2 નવેમ્બર, 2023ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સુનાવણીમાં, કોર્ટે પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણીપંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું.
CJI DY ચંદ્રચુડે સરકારને પૂછ્યું હતું કે ચૂંટણી બોન્ડની શું જરૂર છે. સરકારને તો ખબર જ છે કે તેમને કોણ દાન આપી રહ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડ મળતાંની સાથે જ પાર્ટીને ખબર પડે છે કે કોણે કેટલું દાન આપ્યું છે.
આ અંગે સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર એ જાણવા નથી માંગતી કે કોણે કેટલા રૂપિયા દાનમાં આપ્યા. દાતા પોતે પોતાની ઓળખ છુપાવવા માંગે છે. તે ઈચ્છતા નથી કે અન્ય કોઈ પક્ષને તેની જાણ થાય. જો હું કોંગ્રેસને દાન આપી રહ્યો છું, તો હું ઈચ્છતો નથી કે ભાજપને તેની ખબર પડે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી છે. આ અંગે ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓમાં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા.
1 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ કેસની સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડથી રાજકીય દાનમાં પારદર્શિતા આવી છે. અગાઉ દાન રોકડમાં આપવામાં આવતું હતું, પરંતુ હવે દાતાઓના હિતમાં દાનની ગુપ્તતા જાળવવામાં આવી છે.
દાતાઓ ઇચ્છતા નથી કે અન્ય પક્ષને તેમના દાન વિશે ખબર પડે. આનાથી તેમના પ્રત્યે અન્ય પક્ષની નારાજગી વધશે નહીં. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો આવું છે તો શાસક પક્ષ વિપક્ષના દાનની માહિતી કેમ લે છે? વિપક્ષ ડોનેશનની માહિતી કેમ નથી લઈ શકતો?
કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને વિજય હંસરિયા અરજદારો તરફથી હાજર રહ્યા હતા.
31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ દિવસે સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણી કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને વિજય હંસારિયા અરજદારો વતી હાજર થયા હતા.
પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ બોન્ડ માત્ર લાંચ છે, જે સરકારના નિર્ણયોને પ્રભાવિત કરે છે. નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે કઈ પાર્ટીને રૂપિયા ક્યાંથી મળ્યા.
આ યોજનાને 2017માં જ પડકારવામાં આવી હતી, પરંતુ સુનાવણી 2019માં શરૂ થઈ હતી. 12 એપ્રિલ, 2019ના રોજ, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે, 2019 સુધીમાં ચૂંટણીપંચને ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ માહિતી એક પરબીડિયામાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, કોર્ટે આ યોજનાને અટકાવી ન હતી.
બાદમાં ડિસેમ્બર, 2019માં, પિટિશનર એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી. જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણીપંચ અને રિઝર્વ બેંકની ચૂંટણી બોન્ડ યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી.
આ અંગે સુનાવણી દરમિયાન પૂર્વ CJI એસએ બોબડેએ કહ્યું કે આ કેસની સુનાવણી જાન્યુઆરી 2020માં થશે. ચૂંટણીપંચ પોતાનો જવાબ દાખલ કરવા માટે સુનાવણી ફરીથી મુલતવી રાખવામાં આવી હતી. ત્યારપછી આ મામલે કોઈ સુનાવણી થઈ નથી.
2017ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે 29 જાન્યુઆરી 2018ના રોજ તેને નોટિફાઈ કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે. જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે.
જો તમે તેને ખરીદવા માંગો છો, તો તમને તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદ કરેલી શાખામાંથી મળશે. ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે. માત્ર તે જ પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.
બોન્ડ ખરીદનાર રૂ. 1,000 થી રૂ. 1 કરોડ સુધીના બોન્ડ ખરીદી શકે છે. ખરીદનારે તેની સંપૂર્ણ KYC વિગતો બેંકને આપવી પડશે. જે પક્ષને ખરીદનાર આ બોન્ડ દાન કરવા માંગે છે તેને છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% વોટ મળેલા હોવા જોઈએ. દાતાએ બોન્ડ દાન કર્યાના 15 દિવસની અંદર, તેને પક્ષ દ્વારા ચૂંટણીપંચ દ્વારા વેરિફાઈડ બેંક ખાતા દ્વારા રોકડ કરાવવાનું રહેશે.
2017મા તેને રજૂ કરતી વખતે, અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે તે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે. કાળાં નાણાં પર અંકુશ આવશે. બીજી તરફ, તેનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે તેઓ ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે છે.
કેટલાક લોકોનો આરોપ છે કે આ સ્કીમ મોટા કોર્પોરેટ હાઉસને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. આની મદદથી આ પરિવારો પોતાની ઓળખ જાહેર કર્યા વિના રાજકીય પક્ષોને ગમે તેટલા રૂપિયા દાન કરી શકે છે.
• કોઈપણ ભારતીય તેને ખરીદી શકે છે.
• બેંકને KYC વિગતો આપીને 1,000થી 1 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદી શકાય છે.
• બોન્ડ ખરીદનારની ઓળખ ગુપ્ત રહે છે.
• તેને ખરીદનાર વ્યક્તિને ટેક્સમાં છૂટ પણ મળે છે.
આ બોન્ડ જાહેર કર્યા પછી 15 દિવસ સુધી વેલિડ રહે છે.