સરકારની નીતિને કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2021 / 22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે, લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. – અમિત ચાવડા.
ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે. – અમિત ચાવડા
ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સનું લેન્ડીંગ હબ. – અમિત ચાવડા
વિધાનસભા ગૃહના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ આજે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પૂછેલ પ્રશ્નોમાં જે જવાબ મળ્યા કે જે રીતે ગુજરાત નશાખોરીમાં આગળ વધી રહ્યું છે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશા કારકદ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે ત્યારે સરકાર લાજવાને બદલે ગાજે છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી છેલ્લા બે વર્ષથી પકડાયું અને પકડ્યું એ શબ્દોની રમત સમજાવે છે. પણ છેલ્લા બે વર્ષથી જે દારૂ, દેશી દારૂ, બીયર અને જે નશાકારક દ્રવ્યો પકડાયાના આંકડા આજે જે ગ્રુહમાં મળ્યા છે તે મુજબ જોઈએ તો વર્ષ 2021/22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે, લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.
તેમણે જણાવ્યું કે આજે પ્રશ્નોત્તરીમાં કચ્છ હોય, ભાવનગર હોય, આણંદ હોય કે સાબરકાંઠા હોય આવા અનેક જિલ્લાના છેલ્લા બે વર્ષના આંકડા બહાર આવ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે કે વિદેશી દારૂ ગુજરાત રાજ્યની બહારથી સરહદોથી ગુજરાતમાં આવે છે તે ખુલ્લેઆમ વેચાઈ રહયો છે, દેશી દારૂની જે ભઠ્ઠીઓ ઠેરઠેર ગામેગામ ચાલી રહી છે. ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે અદાણી પોર્ટ ડ્રગ્સનું લેન્ડિંગ હબ એવા આંકડા પ્રશ્નોત્તરીમાં બહાર આવ્યા છે.
શ્રી અમિત ચાવડાએ સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે અમારી વારંવારની રજૂઆત રહી છે કે ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળતો એના કારણે નિરાશા આવે છે. અને એના કારણે નશાના રવાડે ચડે છે અને જે રીતે સરકારી હપ્તાખોરીની નીતિ છે, હપ્તા જે નીચે પોલીસ સ્ટેશનથી લઈને છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતાં હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારની ઈચ્છા શક્તિ નહીં હોવાને કારણે આજે આ નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, લેવાઈ રહ્યા છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે.
આજે અમારા બધાની સ્પષ્ટ માગણી હતી તમે આટલું પકડાયું છે એનું ગૌરવ લઈને એની વાહવાહી કરવાને બદલે ગુજરાતમાં શું કામ એક પણ ટીપુ દારૂ બીજા રાજ્યની સરહદમાંથી ગુજરાતમાં આવે છે ? શું કામ અદાણી પોર્ટ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય તો પોર્ટના સંચાલકો સામે કાર્યવાહી કરીને એમને જેલના સળિયા પાછળ નાખવામાં નથી આવતા ?
આજની તારીખમાં જે ગુનેગારો આમાં સંડોવાયેલા છે એ પકડાયા નથી અને જે પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ પકડાય છે, વિદેશી દારૂ પકડાય છે એ પોલીસ સ્ટેશનના અધિકારીઑ પર શું કામ કડક કાર્યવાહી થતી નથી કારણ કે સરકારની ઈચ્છાશક્તિ નથી, સરકાર આ રોકવામાં નિષ્ફળ ગઈ છે સરકારમાં બેઠેલા લોકોને કારણે આ દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આ સરકારની નીતિને કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે જે આપણા બધા માટે ચિંતાનો વિષય છે.
રાજ્યના ૨૧ જિલ્લાઓમાંથી બે વર્ષ(૨૦૨૨ અને ૨૦૨૩)માં રૂપિયા ૧૯૧ કરોડ ૧૨ લાખ ૬૨ હજાર ૧૩૪ની કિંમતનો વિદેશી દારૂની ૧ કરોડ ૮૭ લાખ ૪૬ હજાર ૦૫૩ બોટલ, રૂપિયા ૨ કરોડ ૮૭ લાખ ૮૪ હજાર ૧૪૩ની કિંમતનો દેશી દારૂ ૧૮ લાખ ૧૯ હજાર ૯૧૨ લીટર તેમજ રૂપિયા ૧૧ કરોડ ૭ લાખ ૪૦ હજાર ૯૫૦ની કિંમતના ૧૪ લાખ ૨૯ હજાર ૯૦૬ બોટલ પકડવામાં આવી છે. બે વર્ષમાં ૨૧ જિલ્લાઓમાંથી ૩,૯૫૫ કરોડ ૫૧ લાખ ૭૦ હજાર ૨૬૨ની કિંમતનું હેરોઈન, કોકેઈન, ગાંજો, અફીણ, પોષડોડા, મેફેડ્રોન વગેરે પ્રકારનું ડ્રગ્સ પકડાયું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૩,૪૦૦ આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.
રાજ્યમાં પકડાય છે તેના કરતાં અનેકગણું ડ્રગ્સ પીવાય છે, રાજ્યનું શિક્ષિત બેરોજગાર યુવાધન ડ્રગ્સના નશામાં ધકેલાઈ રહ્યું છે. ભાજપના રાજ્યમાં ગુજરાત ઉડતાં ગુજરાત બની રહ્યું છે.