રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટના ગુનામાં 36 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

Loading

રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવાના ગુનામાં છેલ્લા 36 વર્ષથી નાસતા ફરતા આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના હેઠળ એલસીબી પીઆઇ વી.વી.ઓડોદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોવર્ડના પીએસઆઇ એસ.જે.રાણા તથા તેની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હતી.

દરમિયાન કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીને એવી બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં 36 વર્ષથી ફરાર આરોપી હાલ વડોદરા રેલવે સ્ટેશન પર આવવાનો છે. આ બાતમીના આધારે ટીમ વડોદરા પહોંચી હતી અને ત્યાં રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી આરોપી ભજન ઉર્ફે કેશીયા કુલીયાભાઈ નટ (રહે ભૂરખલ તા. શહેરા જિ.પંચમહાલ હાલ એજાવડી સીટી ચાંદાનાદા, પુના (મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ગત તારીખ 21/ 9/ 1986 ના રોજ રીબડા હાઇવે પર ભારત પેટ્રોલ પંપ પર છુટા પથ્થરોના ઘા કરી લાકડી વડે પેટ્રોલ પંપની કેબિનના કાચ તોડી તેમાં નુકસાન પહોંચાડી લૂંટ ચલાવવામાં આવી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી ભજન ઉર્ફે કેશિયો 36 વર્ષથી નાસ્તો ફરતો હતો પોલીસે આ આરોપીને ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!