ગોંડલના સડક પીપળિયા નજીક બાઇક પાછળથી પટકાતા જેતપુરના નિવૃત્ત શિક્ષકનું મોત.
ગોંડલના સડક પીપળીયા નજીક બાઈક આડે કૂતરું ઉતરતા સ્લીપ થવાથી પાછળ બેઠેલા જેતપુરના આધેડ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જેતપુરની વિવેકાનંદ હાઈસ્કૂલના નિવૃત શિક્ષક હતા અને પત્ની પણ વાંકાનેર પંથકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જે નિવૃત થતા તેના વીઆરએસના કાગળિયાનું કામ પતાવી પરત ફરતા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના સરદાર ચોકમાં રહેતા દિલીપભાઈ છોટાલાલ ગોહેલ (ઉ.વ.૫૮) નામના આધેડ ગત તા.૩૧ના રોજ પરિચિત શૈલેષભાઈની બાઇકમાં પાછળ બેસી વાંકાનેરથી જેતપુર જઈ રહ્યા હતા ત્યારે ગોંડલના સડક પીપળીયા ગામ નજીક બાઈક આડે કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઇ હતી જેમાં પાછળ બેઠેલા દિલીપભાઈનું માથું રોડમાં અથડાતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ચાલુ સારવારે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર દિલીપભાઈ ત્રણ ભાઇ બે બહેનમાં બીજા નંબરે હતા અને સંતાનમાં બે પુત્રી છે. પોતે જેતપુરની વિવેકાનંદ હાઈસ્કૂલમાં અગાઉ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત જીવન ગાળતા હતા. તેના પત્ની હર્શિતાબેન પણ વાંકાનેર પંથકની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા. તેમના વીઆરએસના ડોક્યુમેન્ટના કામે દિલીપભાઈ પરિચિતની બાઇકમાં બેસી વાંકાનેર ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો. આધેડના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.