ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરી.

ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરી થઈ છે. શિવરાજગઢના રીધ્ધીબેન પીપળીયાએ અમિત જવેલર્સમાંથી 5 ગ્રામ સોનાનો ચેઇનની ખરીદી કરી હતી, જે પછી નાની બજારમાં ખરીદી કરવા જતાં સીલેક્શન હાઉસ કટલેરીની દુકાનમાં તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજ કબ્જે લઈ આરોપીની શોધખોળ હાથ ધરી છે.


ફરિયાદી રીધ્ધીબેન દીક્ષીતભાઈ પીપળીયા (ઉ.વ-24, રહે.શીવરાજગઢ બસસ્ટેશન પાસે તા.ગોંડલ)એ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા. 10/1/2024 ના બપોરના સમયે હું તથા મારા મમ્મી વિલાસબેન, મારા પતિ દીક્ષિતભાઈ બધા ગોંડલ ખરીદી કરવા માટે આવ્યા હતા. મેં અમીત જવેલર્સ નામની દુકાનેથી એક 5 ગ્રામના સોનાના ચેઇનની ખરીદી કરી હતી. જે ચેઇન એક કાપડની થેલીમાં નાખી અમે ગોંડલની નાની બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. બપોરના ચારેક વાગ્યે ગોંડલની સિલેક્શન હાઉસ નામની દુકાનમાં અને તિરૂમાલા સોપીંગ નામની દુકાનમાંથી ખરીદી કરી અમે બધા આશરે સાંજના પાંચેક વાગ્યે દેવડા ગામે મારા મમ્મીના ઘરે પાછા ગયા હતા. ત્યાં ઘરે પહોંચી મેં મારું બેગ ખોલીને જોયુ તો બેગમાં કોઈએ બ્લેડથી કાપો માર્યો હોય તેવું જોવા મળેલ. બેગમાં મુકેલ વસ્તુ જોઈ તો મારો 5 ગ્રામનો સોનાનો ચેઈન જોવા મળેલ નહીં. પરીવારજનોને આ અંગે વાત કરતા, બીજે દિવસે અમે ગોંડલ આવીને જ્યાં જ્યાં ખરીદી કરવા ગયા તેના સી.સી.ટી.વી. ચેક કર્યા હતા. દરમિયાન અમે સીલેક્શન હાઉસ નામની કટલેરીની દુકાનના સીસીટીવી ચેક કરતા જોવા મળેલ કે, કોઇ અજાણ્યા શખ્સે બ્લેડ કાઢી મારી બેગમાં કાપો માર્યો હતો અને 5 ગ્રામ નો સોનાનો ચેન જેની કિંમત રૂ.27964 થાય છે તે ચોરી કરી લઈ ગયો હતો. જે પછી હું અને મારા ભાઈ ચિરાગભાઈ પાનસુરીયા સાથે ફરીયાદ કરવા પોલીસ મથકે ગઈ હતી.

ફરિયાદના આધારે ગોંડલ સિટી પોલીસે અજાણ્યા શખ્સ ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવા અને તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ગોંડલ સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરભાઈ બોરીચા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!