ગોંડલ શહેરમાં એસટી ડેપો બસ સ્‍ટેન્‍ડ ચોકમાં સાગર મેવાડા ની છરીના ઘા ઝીંકીને હત્‍યા.

ગોંડલમાં સતત કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળી રહી છે. ગોંડલમાં ભરવાડ યુવકની સરાજાહેર હત્યા કરાઈ છે. યુવક પર છરી વડે ઘાતક હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યાનો બનાવ બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ગોંડલ શહેરમાં કાયદો વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી હોય જેને લઈ વારંવાર કાયમી ધોરણે એસ.પી ની માંગ કરવા છતા આજ દીન સુધી એસ.પી ની ખાલી પડેલી જગ્યાએ નિમણુંક કરવામાં આવી નથી વધુ પરિસ્થિતિ વણસે તે પહેલા એસ.પી ની નિમણુંક કરવામાં આવે તેવી પ્રબુદ્ધ નાગરિકો ની માંગ ઉઠવા પામી છે.

 

ગોંડલ શહેરમાં એસટી ડેપો બસ સ્‍ટેન્‍ડ ચોકમાં ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકીને હત્‍યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. શહેરના હૃદયસમા વિસ્‍તારમાં હત્‍યાનો બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્‍યા હતા.

ગોંડલ શહેરમાં આજે વહેલી સવારે ગોકુળીયાપરામાં રહેતા અને એસટી બસ સ્‍ટેન્‍ડ પાસે પાનની દુકાન ધરાવતા સાગરભાઈ મેવાડા (ઉ.વ.૨૮) નામના ભરવાડ યુવક ઉપર અજાણ્‍યા શખ્‍સે છરી વડે હુમલો કરતા સાગરભાઈ મેવાડાને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.પરંતુ યુવકને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

શહેરના હાર્દસમા વિસ્‍તારમાં હત્‍યાનો બનાવ બનતા ઘટના સ્‍થળે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્‍યા હતા.હત્‍યાના આ બનાવની જાણ ગોંડલ બી ડિવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્‍થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. આ સાથે જ છરી ઘા ઝીકીને યુવકની હત્‍યા કરનાર શંકમંદ આરોપી ઘનશ્‍યામ રસીકભાઈ પરમાર નામના શખ્‍સને પોલીસે સંકજામાં લઈ લીધો હતો.આરોપી ઘનશ્‍યામ પરમારને અગાઉ મૃતક સાથે માથાકૂટ થઈ હોવાથી જેમનો ખાર રાખીને હત્‍યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્‍યું છે. આ સાથે ઘનશ્‍યામ પરમાર નામનો યુવક અગાઉ ગોંડલ હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો અને તેમને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યો હોવાની વિગતો પણ જાણવા મળી છે. જયારે મૃતક યુવક સાગર મેવાડા પરણિત છે અને સંતાનમાં ૨ દિકરીઓ હોવાની વિગતો જાણવા મળી છે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર સાગરભાઇ મેવાડા એસટી બસ સ્‍ટેન્‍ડ પાસે પાનની દુકાન ધરાવે છે. મૃતક સાગરભાઇને અગાઉ આરોપી ઘનશ્‍યામ પરમાર સાથે ઝઘડો થયા બાદ મૃતક સાગરભાઇ આરોપી ઘનશ્‍યામભાઇને છાશવારે ગાળો દેતો હોય તેનો ખાર રાખી આરોપી ઘનશ્‍યામે આજે વહેલી સવારે છરી સાથે ધસી જઇ પાનના ધંધાર્થી સાગરભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.

બનાવની જાણ થતા બી-ડીવીઝન પોલીસનો કાફલો અને ડીવાયએસપી કે.જી.ઝાલા ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને તુર્ત જ આરોપી ઘનશ્‍યામ પરમારને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે. આરોપી ઘનશ્‍યામ પરમાર હાલમાં છુટક મજુરી કામ કરતો હોવાનું પોલીસે જણાવ્‍યું હતું.ગોંડલમાં એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ ચોકમાં સરાજાહેર હત્‍યાનો બનાવ બનતા ચકચાર જાગી છે.

error: Content is protected !!