“પી.એમ.જનમન” કાર્યક્રમ : રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો, પ્રધાનમંત્રીશ્રીનાં આદિમ જૂથનાં લાભાર્થીઓ સાથેનો સીધો સંવાદ લોકોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો.

રાજકોટ જિલ્લામાં વસતા સીદી આદિમ જુથને ઘર આંગણે મળ્યા

સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો

“સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો નાના માણસો માટે ખૂબ મોટા અને મહત્વના સાબિત થયા છે”

– સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા

 

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પીએમ-જનમન) અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં લાભાર્થીઓ સાથે સીધા લોકસંવાદ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા નં. ૫, ભગવતપરા વિસ્તાર, ગોંડલ ખાતે યોજાયો હતો.

આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ ઉદબોધન કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનાં લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને ઘર આંગણે મળે તે માટે ખાસ ઝુંબેશ ચલાવી સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ નાગરીકો માટે મહત્વની સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વર્ણવતા શ્રી કુંડારીયાએ ઉમેર્યું હતું કે, ગામડાઓમાં વસતા ગ્રામ્ય નાગરીકો પણ વિકસિત થાય, શહેર જેવી સુવિધાઓ ગામડાઓમાં મેળવી દરેક જનનો વિકાસ થાય તે માટે આવાસ યોજના, નલ સે જલ યોજના, આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓ માટે સરકાર દ્વારા થતા કાર્યક્રમો નાના માણસો માટે ખૂબ મોટા અને મહત્વના સાબિત થયા છે. હેલ્થ સ્ક્રીનીંગ દ્વારા નાગરિકોના આરોગ્યની ચકાસણીની સાથે સાથે જરૂરી દવાઓ અને સારવાર પણ વિનામૂલ્યે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી વંચિત તમામ જન સુધી પહોંચવાના સફળ પ્રયાસો વહીવટીતંત્ર દ્વારા એક પણ દિવસની જાહેર રજા લીધા વિના અવિરત કરવામાં આવી રહ્યા છે, જે બદલ વહીવટીતંત્રના સંબધિત અધિકારીઓ, કર્મચારીઓને સાંસદશ્રીએ બિરદાવ્યા હતા તથા પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વહેલી તકે યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ જનમન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધન કરી, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં આદિજાતિના વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી પ્રધાનમંત્રી જન જાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અન્વયે રાજકોટ જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને કલ્યાણકારી યોજનાઓનાં લાભો સત્વરે આપવામાં આવશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

પી.એમ.જનમન મહાઅભિયાન હેઠળ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને રાજકોટ તાલુકામાં તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા આદિમ જુથ કુટુંબોને ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત મફત વીજ કનેકશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ, આધાર-પુરાવાના આધારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે અનાજ, પ્રધાનમંત્રી જન ધન યોજના તળે બેંકમાં જનધન ખાતું, પોષણ અભિયાન અન્વયે પોષણ કીટ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ બર્નર સાથેની ગેસ કીટ તથા સીદી આદિમ જુથના કુટુંબોને શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ સહિત આજીવિકા સંબંધિત યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરૂરી આદિજાતિ પ્રમાણપત્ર લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે લાભાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો વર્ણવી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આદિમ જૂથના લાભાર્થીઓ સાથે દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં લાભાર્થીઓ સાથે સીધા લોકસંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આદિમ જુથના બાળકોએ પરંપરાગત “ધમાલ” નૃત્ય રજુ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગોંડલ ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ ચનિયારા, અગ્રણીશ્રી ભરતભાઈ ઢોલરીયા, શ્રી ચિરાગભાઈ ગોલ, શ્રી જયંતિભાઈ સાટોડિયા, સીદી જાતિના પ્રમુખશ્રી, આરોગ્ય અધિકારીશ્રી ડો.પી. કે. સિંઘ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનભાઈ ઉકાવાલા, મામલતદારશ્રી ડી.ડી.ભટ્ટ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. ગોહેલ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા સહિત સંબધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ તથા આદિમ જુથના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!