સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ડો. ડી.વાય.ચંદ્રચુડના હસ્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ.

 

• નવું ન્યાય મંદિર એ રાજકોટની યશકલગીમાં વધુ એક પીછા સમાન

• પરિવર્તન અને વારસાની જાળવણી સાથે ન્યાય પ્રણાલીએ વિકાસની નવી પરિભાષા સ્થાપિત કરી છે

• નાગરિકોના અધિકારોનું રક્ષણ એ ન્યાય વ્યવસ્થાની પ્રાથમિકતા હોવી જોઈએ

• ન્યાયની ધજા સદા ફરકતી રહે, તે જોવાની જવાબદારી દેશભરની કોર્ટોની છે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય. ચંદ્રચૂડે રાજકોટ ખાતે રૂ. ૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા સી.જે.આઈ. ડૉ. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, વિવિધ ૩૯ કોર્ટના સમન્વય સાથે કાર્યરત થયેલી પાંચ માળની રાજકોટ જિલ્લા કોર્ટના નવા બિલ્ડિંગથી રાજકોટની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ શ્રી સરદાર પટેલની ધરતીમાં પાંગરેલું આ કોર્ટ બિલ્ડિંગ રાજ્યને પ્રગતિ, એકતા અને સમાવેશકતાના પથ પર અગ્રેસર થવા હંમેશા પ્રેરણા આપતું રહેશે.

તેમણે ન્યાયપ્રણાલીની પરિભાષા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પરિવર્તન અને વારસાની જાળવણી સાથે વિકાસની નવી પરિભાષા સ્થાપિત કરવામાં ન્યાય પ્રણાલી નિર્ણાયક પુરવાર થશે.

ન્યાય વ્યવસ્થાને બહેતર બનાવવામાં તથા શાંતિ અને સમાનતાના મૂલ્યોની સ્થાપના અર્થે નાગરિકોને તેમના અધિકારો આપવામાં ન્યાય વ્યવસ્થા મહત્વની સાબિત થશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની બાબતને ન્યાય વ્યવસ્થામાં હંમેશા પ્રાથમિકતા મળવી જોઈએ. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પહેલા સ્થાનિક કોર્ટમાં જતા નાગરિકની ન્યાયમાં શ્રદ્ધા અડગ રહે તે જોવાનું કામ ન્યાય ક્ષેત્રના પ્રહરીઓનું છે. જુદા જુદા રાજ્યોમાં પ્રવાસ ખેડીને દેશભરમાં ન્યાય વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને મળીને દેશના નાગરિકોની ન્યાય સંબંધી સમસ્યાઓના અસરકારક નિરાકરણ માટે અમે સદા વચનબદ્ધ છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના ચોથા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે રાજકોટ ખાતે કાર્યરત કરાયેલું નવું કોર્ટ બિલ્ડિંગ ન્યાયપ્રણાલીના અગત્યના સ્તંભ તરીકે ઊભરી આવશે તેમ જણાવતા માન. સી.જે.આઈ.એ કહ્યું હતું કે, ભવ્ય ઇતિહાસ અને આશાવાન ભવિષ્યને જોડતી કડી તરીકે ન્યાયક્ષેત્ર અગત્યનું પુરવાર થશે. આ પ્રસંગે તેમણે રાજકોટના ન્યાયક્ષેત્રના ઇતિહાસની ટૂંકી વિગતો પણ વર્ણવી હતી.

ન્યાયની ધ્વજા સતત ફરકતી રહે એવો આશાવાદ ઉચ્ચારતાં તેમણે માનવતાના પ્રેરકબળ અને પ્રતિબદ્ધતા સ્વરૂપે ન્યાયતંત્ર સદા ધબકતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

નવા ન્યાય સંકુલમાં મહિલાઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંશા કરતા તેમણે કહ્યું હતું કે, આ સંકુલ દેશભરની જિલ્લા કોર્ટો જ નહીં, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માટે પણ નમૂનારૂપ બનશે. આ સાથે તેમણે વકીલો પણ ડિજિટલ ટેક્નોલોજીથી પ્રશિક્ષિત બનીને તેનો પૂરતો ઉપયોગ કરે તેના પર ભાર મુક્યો હતો.

માન. સી.જે.આઈ.એ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી એમ ત્રણ ભાષામાં સંબોધન કરીને ઉપસ્થિતો લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

આ અવસરે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય. ચંદ્રચુડને કોર્ટ ડીજીટાઈઝેશનના પુરસ્કર્તા ગણાવ્યા હતા. આ સાથે તેમણે માન. સી.જે.આઈ.એ ન્યાયતંત્રને વધુ અસરકારક બનાવવા અપનાવેલી તરાહો અને ચુકાદાઓની ઝાંખી આપી હતી.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતિ સુનિતા અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં બનેલું આ ન્યાય મંદિર એક ભૌતિક સ્મારક નહિ પણ ન્યાય માટેની સરકાર અને ન્યાયતંત્રની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે,

 

કે જે ન્યાય આપશે અને નાગરિકોના અધિકારોને ઓળખીને તેનું રક્ષણ કરશે. સારી માળખાગત સુવિધાઓથી સજ્જ કોર્ટથી સ્ટાફ, જજીસ અને વકીલોની કાર્યક્ષમતામાં વધારો થશે અને ન્યાયતંત્ર નવા જુસ્સાથી કાર્ય કરી શકશે. તેઓશ્રીએ આ તકે નવા ન્યાય મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકારના સહકારનો પણ આભાર માન્યો હતો તેમજ નિર્માણ કાર્ય સાથે જોડાયેલા તમામ અધિકારીઓ, ઈજનેરો અને કારીગરોના સમર્પણ અને પુરુષાર્થને બિરદાવ્યો હતો.

આ તકે માન. સી.જે.આઈ. ડૉ. ચંદ્રચૂડે અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ-ગાંધીનગરના પાંચ જિલ્લાઓના વિટનેસ ડિપોઝીશન સેન્ટર અને ઈ-ફાઈલિંગ સુવિધાઓ, તેમજ અરજદારો માટે કેસ કોલ આઉટ ફેસિલીટી –ટેક્ટ્સ ટુ વોઈસ (“ઓટોમેટિવ હાજીર હો” – કોર્ટની તારીખ, કેસ બાબતે ઓનલાઇન અપડેશન) સુવિધાનો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો.

માન. સી.જે.આઈ.ના આગમન સમયે સભાસ્થળે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે વિકલાંગોના કલ્યાણ અર્થે કાર્યરત “એકરંગ” સંસ્થાની બાળાઓએ સરસ્વતી ગીત રજૂ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના જજશ્રી એન. વી. અંજારિયા, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી, રાજકોટ જિલ્લાના એડમીનિસ્ટ્રેટ જજશ્રી આશુતોષ શાસ્ત્રી, બાર એસોસિએશનના પ્રમુખશ્રી બી. વી. રાજાણી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ શ્રી એમ. આર. શાહ, કાયદા સચિવ શ્રી પી.એમ. રાવલ, રાજકોટના મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી ઉદય કાનગડ તથા ડૉ.દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા તથા શહેરના એડવોકેટસ, રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધિકારીઓ તથા સભ્યો, રાજકોટ જાહેર તથા જિલ્લાના વિવિધ તાલુકાઓના તમામ બાર એસોસિએશન્સના વકીલો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લાના ન્યાયાધીશો, તથા અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

 

 

રાજકોટ રૂા. ૧૧૦ કરોડના ખર્ચે નિર્મિત જિલ્લા અદાલતના સંકુલની મુલાકાત લેતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ડૉ. ડી.વાય. ચંદ્રચૂડ

 

રાજકોટના ઘંટેશ્વર મુકામે ૧૪ એકરના પરિસરમાં રૂા. ૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ન્યાય મંદિર પરિસરના ઉદઘાટન અવસરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ડૉ.ધનંજય વાય.ચંદ્રચૂડે સમગ્ર કોર્ટ બિલ્ડિંગની મુલાકાત લઈને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

માન. સી.જે.આઈ. ડૉ.ચંદ્રચુડે આ નવા કોર્ટ સંકુલના પાંચ માળમાં કાર્યરત થનારી વિવિધ કક્ષાની ૩૯ જેટલી કોર્ટની જાણકારી મેળવી હતી. તેમણે સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર, ઈ સેવા કેન્દ્ર, એ.ડી.આર. સેન્ટર, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સિલની કચેરી, મીડિયેશન સેન્ટર, વલ્નરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર, કાઉન્સેલિંગ સેન્ટર, કોલ આઉટ ફંક્શન, ઈ ફાઈલિંગ ફોર કોમર્શિયલ કોર્ટ, વિટનેસ ડિપોઝિશન સેન્ટરની વિગતો જાણી ખુશી વ્યક્ત કરી હતી.

અત્યાર સુધી રાજકોટ ખાતે જિલ્લા અદાલત તથા સિવિલ કોર્ટ જુદી જુદી ત્રણ બિલ્ડિંગમાં કાર્યરત હતી. જેના કારણે પક્ષકારો અને વકીલશ્રીઓને તેઓના કેસો માટે જુદા જુદા બિલ્ડિગમાં જવું પડતું હતું. પરંતુ હવે આ નવા કોર્ટ સંકુલમાં આ તમામ કોર્ટ એક જગ્યાએ કાર્યરત થવાથી પક્ષકારો અને વકીલોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે.

આ તકે માન. સી.જે.આઈ. ડૉ.ચંદ્રચૂડનાં પત્નીશ્રી કલ્પના દાસ, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશશ્રી એન.વી અંજારીયા, રાજ્યના કાયદામંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજકોટ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશશ્રી આર.ટી.વચ્છાણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, શ્રી ઉદય કાનગડ, કાયદા વિભાગના સચિવશ્રી પી.એમ.રાવલ, ન્યાય તંત્રના વિવિધ અધિકારીઓ, વકીલો વગેરે ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!