બાર કરોડ નાં ટેન્ડર રદ કરવાની ચકચારી ઘટનાં માં સુરત નાં કોન્ટ્રાક્ટર પોલીસ મથકે પહોંચ્યા:પોલીસે નિવેદન નોંધ્યુ:તપાસ બાદ યોગ્ય જણાયે ગુન્હો દાખલ કરાશે.
કોંગ્રેસ સમર્થન માં પહોંચી:ભાજપે આવેદનપત્ર આપી કહ્યુ ફરીયાદ કોંગ્રેસ પ્રેરીત છે:ચકચારી ઘટનામાં રાજકારણ ભળ્યુ:
સુરત નાં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરી બંગલા માં ગોંધી રાખી નગરપાલિકા નાં કારોબારી ચેરમેન, સદસ્ય, ચીફ ઓફીસર તથા અન્ય વ્યક્તિએ માર માર્યા ની ચકચારી ઘટનાં માં સુરત નાં કોન્ટ્રાક્ટર ગાડીઓ નાં કાફલા સાથે ગોંડલ નાં બી ડીવીઝન પોલીસ મથકે પંહોચ્યા હતા.
તેના સમર્થન માં કોંગ્રેસી આગેવાનો પણ પોલીસ મથકે દોડી ગયા હતા.બીજીબાજુ ચેરમેન સહીતનાં બચાવ માટે શહેર ભાજપ પ્રમુખ સહીત મોટી સંખ્યામાં ભાજપીઓ ઉમટી પડ્યા હતા.બાદ માં કોન્ટ્રાક્ટર ની ફરિયાદ કોંગ્રેસ પ્રેરીત હોવાનાં આક્ષેપ સાથે ભાજપ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુ હતું.આમ ચકચારી ઘટનાં માં રાજકારણ ભળ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન નાં કોન્ટ્રાક્ટ માટેની તજવીજ હાથ ધરાઇ હોય સુરત નાં દરબાર વેસ્ટ કોર્પોરેશન નાં બીપીનસિંહ પીલુદરીયાએ ટેન્ડર ભર્યુ હતુ બાદ માં બીપીનસિંહ દ્વારા નગરપાલિકાનાં કારોબારી ચેરમેન સહિતનાઓ એ અપહરણ કરી માર માર્યા ની લેખીત રજુઆત પોલીસ સહીત ઉચ્ચ કક્ષાએ કરતા પોલીસ દ્વારા ફરિયાદ આપવા ગોંડલ પોલીસ મથકે બોલાવાયા હતા.
દરમિયાન સવારે કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયા ગાડીઓ નાં કાફલા સાથે બી ડીવીઝન પોલીસ મથકે પંહોચ્યા હતા.જ્યા પીઆઇ. ગોસાઈ એ તેમનું નિવેદન નોંધ્યુ હતુ.
પોલીસ નિવેદન માં બીપીનસિંહ પીલુદરીયાએ જણાવ્યુ કે અમે દરબાર વેસ્ટ કોર્પોરેશન નાં નામે ટેન્ડર ભર્યા બાદ ગોંડલ ગયેલ ત્યારે નગરપાલિકાનાં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,સદસ્ય ચંદુભાઈ ડાભી,ચીફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ તથા મયંક કચરાભાઇ વૈશ્ર્નવે અક્ષર મંદિર પાસેથી મારું અપહરણ કરી હનુમાન મંદિર સામે લઈ જઈ મારી ગાડી છીનવી લઈ એક બંગલા નાં પહેલા માળે ગોંધી રાખી માર માર્યો હતો.મે ટેન્ડર માટે સાઇટ વિઝિટ સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હોય તે સર્ટિફિકેટ નથી જોઇતુ તેવુ લખાણ બળજબરી થી લખાવી લઈ તા.૨\૧૨ તથા તા.૨૨\૧૨ નાં અરજીઓ પરત ખેચાવી લેવા ચીફ ઓફીસર ની ગાડીમાં બેસાડી પ્રગટેશ્ર્વર ઝેરોક્ષ ની દુકાને લઈ જઈ બળજબરી પૂર્વક મારી પાસે નોટરી કરાવ્યુ હતુ બાદ માં ફરી બંગલા મા લઈ જઈ ટેન્ડર અંગે અરજી કરશો તો તમને અને તમારાં પરીવાર ને જાનથી મારી નાંખીશુ અથવા એકસીડેન્ટ કરાવી મારી નાખવાની ધમકી આપી હતી.બીપીનસિંહે બનાવ નાં સીસી ટીવી ફૂટેજ,લોકેશન સહીત નાં એવિડન્સ પોલીસ માં રજુ કર્યા હતા.
પીઆઇ.ગોસાઈ એ જણાવ્યુ કે બીપીનસિંહ નું વિસ્તૃત નિવેદન લેવાયુ છે.તેમણે રજુ કરેલા એવિડન્સ સહીત તપાસ કરી જરુર પડ્યે બનાવ માં ગુન્હો નોંધાશે.
દરમિયાન પોલીસ મથકે બીપીનસિંહ નાં સમર્થન માં કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ, દિનેશભાઇ પાતર સહીત કોંગ્રેસીઓ એકઠા થયા હતા.અને પીઆઇ.ગોસાઈ ને એફઆઈઆર દાખલ કરવા રજુઆત કરી હતી.બીજી બાજુ રાજેન્દ્રસિંહ જાડેજા,ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા સહીત ભાજપ ના કાર્યકરો પણ પોલીસ મથકે એકઠા થતા પોલીસ એલર્ટ બની હતી.બાદ મા ભાજપ કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યુ કે કોન્ટ્રાક્ટર દ્વારા તા.૨૪ના અમારે કામ કરવુ નથી તે પ્રમાણે નગરપાલિકા માં લેખીત અપાયા બાદ હવે જે પોલીસ ફરિયાદ થઈ રહીછે તે કોંગ્રેસ પ્રેરીત હોય આ ઘટના મા તટસ્થ તપાસ કરવા જણાવાયુ હતુ.