ગોંડલમાં સગીરાએ એસીડ પીધુ:રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ.
રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ સગીરા કે તેનો પરિવાર બનાવ અંગે કારણ ન જણાવતા હોય, ગોંડલ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગોંડલના ખોડીયારનગર વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનું એસીડ પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગત મુજબ, સગીરાના પિતા કડીયાકામ કરે છે. પિતાને સંતાનમાં 3 દીકરી અને 2 દીકરા છે. જેમાં આ સગીરા સૌથી મોટી છે. ગઈકાલે બપોરે 3 વાગ્યા આસપાસ સગીરા બાથરૂમમાં ગઈ હતી અને બહાર નીકળી પોતાની માતાને જાણ કરી હતી કે, તેણે એસીડ પીધુ છે. પરિવારે તુરંત સગીરાને ગોંડલના સરકારી દવાખાનામાં દાખલ કરી હતી. ત્યાંથી તબીબોની સલાહથી સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ છે. પરિવાર કે સગીરા એસીડ પીવાનું કારણ ન જણાવતા હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.