સ્વચ્છતા અભિયાનની કામગીરી બદલ રાજકોટ જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવા કચેરીની શ્રેષ્ઠ કચેરી તરીકે પસંદગી : કલેકટરશ્રી પ્રભવ જોષી દ્વારા સન્માનપત્ર અપાયું.
સુશાસન દિવસ નિમિત્તે પ્રાંત અધિકારીશ્રીના હસ્તે જસદણની સરકારી કચેરીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવી
ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી તા. ૨૫ ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુશાસન દિવસની ઉજવણી અન્વયે સ્વચ્છતા અભિયાન – ૨૦૨૩ અંતર્ગત કચેરીમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ કચેરીઓમાં રેકર્ડ સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવણી, ડેડસ્ટોકનો નિકાલ, કંડમ વાહનોનો નિકાલ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને Best, Emerging અને Aspiring કેટેગરીમાં વિવિધ કચેરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
જે પૈકી રાજકોટ જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવાઓ (I.C.D.S.)ની કચેરીની જિલ્લાની શ્રેષ્ઠ કચેરી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેથી, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના હસ્તે તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી એસ. જે. ખાચરની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, જસદણના ઘેલા સોમનાથ મંદિર ખાતે સુશાસન દિવસ નિમિત્તે પ્રાંત અધિકારીશ્રી રાજેશભાઈ આલના હસ્તે વિવિધ સરકારી કચેરીઓને સ્વચ્છતા અભિયાન – ૨૦૨૩ અંતર્ગત નિષ્ઠાપૂર્વક કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવી હતી.
રિપોર્ટ .પિયુષ વાજા જસદણ