ઇન્ટેક સંસ્થા દ્વારા ગોંડલના રાજાશાહી પુલોના રીપેરીંગ માટે પદ્ધતિસર સર્વે બાદ પ્રારંભિક રીપોર્ટ તૈયાર : રીપેર તથા રીસ્ટોરેશન અર્થે જરૂરી વ્યુહરચના મુજબ પુલની આગળની કામગીરી હાથ ધરાશે.

ગોંડલમાં આવેલ રાજાશાહી સમયના બે પુલો-મોંઘીબા કન્યા છાત્રાલય તથા પાંજરાપોળથી સામા કાંઠાને જોડતા ઐતિહાસિક પુલ અસરગ્રસ્ત થતા આ બંને પુલને રીપેર કરવા માટે ગોંડલ નગરપાલિકા દ્વારા સમારકામ શરુ કરવામાં આવેલ હતું. પરંતુ પુલનું સમારકામ તેની એસ્થેટિક વેલ્યુ જળવાઈ તે રીતે કન્ઝર્વેશન આર્કિટેક્ટની સલાહ લઇને કરવાના કોર્ટના ૩૦ નવેમ્બર ૨૦૨૩ ના આદેશ મુજબ રાજયસરકારના પુરાતત્વ વિભાગ અથવા દેશના સાંસ્કૃતિક વારસના સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત ઇન્ટેક(ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) પાસે આ કામ કરાવવાનું નિયત કરાયું હતું.

                કન્ઝર્વેશન આર્કિટેક્ટ, એક્સપર્ટ આર્કિટેક્ટ્સ અને અન્ય તજજ્ઞો મેમ્બર ધરાવતી રાજકોટની ઇન્ટેક  સંસ્થા દ્વારા સરકારની સૂચના મુજબ આ પુલોનો પદ્ધતિસર સર્વે કરી તેનું રીપેરીંગ કેમ કરવું તેનો રીપોર્ટ તૈયાર કરીને જિલ્લા વહીવટીતંત્રને સુપ્રત કરવામાં આવેલ છે.

                રાજકોટ ઇન્ટેકના પ્રમુખ આર્કિટેક્ટશ્રી રિધ્ધિબેન શાહના જણાવ્યા મુજબ તત્કાળ ધોરણે ‘‘ઇન્ટેક’’ રાજકોટ દ્વારા કન્ઝર્વેશન આર્કિટેક્ટ, અન્ય તજજ્ઞ આર્કિટેક્ટ્સ તથા એન્જીનીયર્સ દ્વારા આ પુલનો આખો રીપોર્ટ તૈયાર કરવામાં આવેલ છે. ઇનટેક ટીમ દ્વારા સો થી વધુ વર્ષ જુના આ બે પુલોનું દસ્તાવેજીકરણ કરવામાં આવેલ છે અને સમારકામ માટે રીપેર તથા રીસ્ટોરેશન અર્થે જરૂરી વ્યુહરચના પણ સરકારમાં સુપ્રત કરવામાં આવેલ છે.”

ઇન્ટેક મેમ્બર્સ અને કન્ઝર્વેશન આર્કિટેક્ટ રુપેશ પટેલ, આર્કિટેક્ટ દિવ્યેશ પરસાણાના નેતૃત્વમા આર્કિટેક્ટ દુષ્યંત પરમાર, ધૃવિત રામાણી, પ્રણવ દેથરીયા, પાર્થ કાચા, ઉવેઇસ દેથા, તથા શિવમ લાલકિયાના સહયોગથી આ કાર્ય પુર્ણ કરવામા આવ્યુ હતુ.

                અત્રે ઉલ્લેખનીય છે કે,ઇન્ટેક સંસ્થા સમયાંતરે આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગે હેરિટેજ ક્વિઝ,  હેરિટેજ ફોટોવોક,  તથા દસ્તાવેજીકરણ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લાને મદદરૂપ કાર્યો કરે છે.

error: Content is protected !!