માજી સૈનિકો – તેના પરિજનો માટે ગત વર્ષના રૂ.૨૫ લાખનો લક્ષ્યાંક સામે રૂ.૪૨.૪૫ લાખનું દાન દેનારા દાતાશ્રીઓનું કલેકટરશ્રી પ્રભવ જોશીએ કર્યું સન્માન.
૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી અંગેની બેઠક યોજાઈ.
દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પણ આ ઉજવણી અંગેની બેઠક કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૨૫ લાખનો લક્ષ્યાંક અપાયો છે જે પૂર્ણ કરવા દાતાઓને સહકાર આપવા આ બેઠકમાં અનુરોધ કરાયો હતો.
આ તકે ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં સરકાર દ્વારા રૂ.૨૫ લાખનો લક્ષ્યાંક અપાયો હતો. તે સામે રૂ.૪૨.૪૫ લાખનું ઉદાર હાથે દાન દેનારા દાતાશ્રીઓનું કલેકટરશ્રી પ્રભવ જોશીએ સન્માન કર્યું હતું.
રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડરશ્રી પવનકુમારે દાતાઓનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સિપાહીઓ યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવસર્જિત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવામાં અગ્રેસર રહે છે.
વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનઃર્વસવાટ માટે અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભંડોળ એકત્ર કરવાના ઔપચારિક કાર્યક્રમનો આરંભ પ્રતિ વર્ષ સાતમી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ જણાવ્યુ હતું કે સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી બને છે ત્યારે સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યક્તિ કરી તેઓના મનોબળને દ્રઢ કરવાના આ અવસરે ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ ભંડોળમાં યથાયોગ્ય યોગદાન જિલ્લાના પ્રત્યેક નાગરિકોએ આપવું જોઇએ. આ માટે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સમૂહ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પૂર્વ સૈનિક આરામ ગૃહ, પોલીસ હેડ ક્વાર્ટર સામે, રાજકોટ ફોન નં. ૦૨૮૧-૨૪૭૬૮૨૫ ખાતે સંપર્ક સાધી શકે છે. દાન ઓનલાઇન પણ કરી શકાશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ખાચર, રાજકોટ ગ્રામ્યના ડીવાય.એસ.પી.શ્રી હીંગોળદાન રતનુ, અશોકસિંહ ઝાલા, રેખાબેન એ.દુદકિયા, ગજેન્દ્રસિંહ ચાવડા, કિરણભાઈ ભટ્ટી, વિજયભાઈ ખોખર સહિતના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.