Gondal-ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં “દિકરી ગામ” પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાશે.

“દિકરી ગામ”માં બાલિકા પંચાયત, મહિલાઓના શિક્ષણ, આરોગ્ય,પોષણ સહિતના સર્વાંગીણ વિકાસમાં તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે

ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના સહયોગ અને જિલ્લા વીકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના સહકાર થકી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામ ખાતે ગુજરાતનાો સર્વપ્રથમ પાયલટ પ્રોજેક્ટ “દિકરી ગામ” નો શુભારંભ કરવામાં આવનાર છે.

આ એવું ગામ છે, જ્યાં રાજકોટ જિલ્લાની પ્રથમ સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. ગામનું દરેક ઘર પોતાની દિકરીના નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દિકરીના નામની પ્લેટ લગાવવામાં આવશે.

આ ગામમાં હમણાં જ સમરસ બાલિકા પંચાયત બનાવવામાં આવી છે, જેમાં એક સરપંચ અને તેમના હેઠળ ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ એક-એક સભ્ય સામેલ કરવામાં આવેલ છે. આ મંડળ દ્વારા પાટીદડ ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી કિશોરીઓનું પ્રતિનિધિત્વ આ દરેક ક્ષેત્રે સુનિશ્ચિત કરાશે. કિશોરીઓ મતદાન અંગેની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ જ બાલિકા પંચાયતની ચુંટણી આ અભિયાન અંતર્ગત કરવામાં આવે છે.

આ ગામમાં સમરસ બાલિકા પંચાયતની સાથે વિલેજ ટાસ્ક ફોર્સ કમિટીનું પણ ગઠબંઘન કરવામાં આવ્યું છે, જે મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, પોષણ જેવા હિતલક્ષી કાર્યો કરશે. આ ગામ ૧૦૦% બાળલગ્ન મુક્ત છે. પાટીદડ ગામ કુપોષણમાં નહીં, પણ સુપોષણમાં પણ પ્રથમ ક્રમાંકે છે.

પાટીદડ ગામના વિકાસ માટે પી.એમ.સી. સિમેન્ટ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એમ.ઓ.યુ. કરવામાં આવનાર છે, જે અન્વયે પી.એમ.સી સિમેન્ટ કંપની તેના (CSR) સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગામની દરેક દિકરીના જન્મ સમયે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી તેમાં નક્કી કરેલી રકમ જમા કરશે.

સમરસ બાલિકા પંચાયતના નેતૃત્વમાં મહિલાઓ દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા બાળ અને માતા મૃત્યુદર ધટે તે માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે તથા મહિલાઓને લગતા ગુન્હાઓની જાણકારી આપીને તેઓને ગામની તમામ મહિલાઓને અને દિકરીઓને જાગૃત કરવાનું કામ કરશે.

ગામની બહેનો સ્વરોજગારની સાથોસાથ બિન પરંપરાગત રોજગારની તાલીમ પણ આપવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાની લીડ બેંક દ્વારા આપવામાં આવતા વિવિધ કોર્ષની તાલીમ પણ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદડ ગામની કૂલ વસ્તી અંદાજિત ૨૫૦૦ થી વધુ લોકોની છે. જે પૈકી ૧૨૭૫ જેટલા પુરૂષો અને ૧૨૦૬ જેટલી સ્ત્રીઓ છે. આ ગામનુ શિક્ષણનુ પ્રમાણ ૮૨.૦૬ % જેટલુ નોંધનીય છે.

error: Content is protected !!