Gondal-ગોંડલના ગુંદાળામાં સુતેલા પરીવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર મકાનમાં તસ્કરોનો હાથફેરો.
મકાનના દરવાજાનો નકુચો તોડી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન: : ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ગોંડલના ગુંદાળામાં મોડી રાતે ઘોર નિંદ્રામાં સુતેલા પરિવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર ત્રાટકેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળા ગામે ભરવાડવાસમાં રહેતાં ઘોઘાભાઇ પાતાભાઇ બાંભવાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.14 ના રાતના તેઓ પરિવાર સાથે જમીને પોત પોતાના રૂમમાં સુવા જતા રહેલ હતા, તેમજ પરિવારના સોના -ચાંદીના દાગીના કબાટની અંદર એક પેટીમા રાખી મુકેલ હતા અને કબાટને લોક મારીને ચાવી તેઓ સુતા હતા ત્યાં રાખતા હતા. બીજા દિવસે વહેલી સવારમા ચારેક વાગ્યે તેઓએ તેમની પત્નીને કોફી બનાવવાનુ કહેતા તેની પત્ની રસોડા બાજુ ગયેલ ત્યારે તેની પત્નીએ લુટાય ગયુ, લુટાય ગયુ અવાજ કરતા તેઓએ રૂમમાં જોયેલ તો કબાટનો લોક તોડી નાખેલ અને સામાન વેર વિખેર પડેલ હતો.
કબાટની અંદર તિજોરીમાં જોયેલ તો સોના ચાંદીના ઘરેણાની પેટીમાં રાખેલ સોનાનો ડોકમા પહેરવાનો કાઠલો ત્રણ તોલાનો રૂ. 45 હજાર, સોનાના ડોકમા પહેરવાના જવલા બે તોલાના રૂ. 30 હજાર, સોનાની ડોકમા પહેરવાની બરઘલી દોઢેક તોલાની રૂ.22 હજાર, સોનાનો ચાંદલો અડધા તોલાનો રૂ. 75 હજાર, સોનાની બે વીટી, રૂ. 15 હજાર, ચાંદીનો કંદોરો- 2 રૂ.12500, ચાંદીનું એક કડલું રૂ. 7500 અને રોકડ રૂ. 44800 મળી કુલ રૂ. 1.86 લાખનો મુદ્દામાલ તેમજ આર.સી.બુક, આધારકાર્ડ વગેરે કાગળોની ફરિયાદી અને તેનો પરીવાર સુતા હોય તે દરમ્યાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જે. એમ.ઝાલા અને ટીમે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.