ગોંડલ એસટી સ્ટેન્ડમાં બિનવારસી થેલો મળી આવતા નાસભાગ મચી : થેલામાં બોમ્બ હોવાની અફવા ફેલાતા આસિસ્ટન્ટ કલેકટર ખુલ્લા પગે સ્થળ પર પોહચી ગયા: ભાગદોડ વચ્ચે અંતે તંત્ર દ્વારા મોકડ્રીલ હોવાનું જાહેર કરાયુ.
ગોંડલ બસસ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મમાં એક બિનવારસી થેલો મળી આવતા અને બિનવારસી થેલામાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ રહેલ મુસાફરીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાજ ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ડોગ તથા બોમ્બ સ્કવોડ પણ ઘસી ગઈ હતી.અફડાતફડી ના માહોલ વચ્ચે તંત્ર દ્વારા બસસ્ટેન્ડ મા મોકડ્રીલ કરાયા નુ જાહેર કરાતા મુસાફરો એ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેન્ડમાં સવાર ના સુમારે મુસાફરો ની ખાસ્સી ચહલપહલ વચ્ચે પ્લેટફોર્મ પર આવેલી એસ.ટી. ઇન્કવાયરી ઓફીસ પાસે બિનવારસી થેલો મળી આવ્યો હતો. એસ.ટી. કર્મચારી દ્વારા બીનવારસી થેલાની જાણ એસ.ટી ડેપો મેનેજરને કરવામાં આવી હતી.દરમ્યાન થેલા મા બોમ્બ હોવાની અફવા એ જોર પકડતા ભાગદોડ મચી જવા પામી હતી.
તુરંત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા દ્વારા નગર પાલિકા ફાયર સ્ટાફ, ડેપ્યુટી કલેકટર તંત્ર તેમજ પોલીસને જાણ કરાઇ હતી. નગરપાલિકા ફાયર સ્ટાફ ઈમરજન્સી વાહનના કાફલા સાથે સિટી બી ડિવિઝન પી.આઈ જે.પી. ગોસાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને એસ.ટી. બસસ્ટેન્ડ પ્લોટફોર્મ પર રહેલ મુસાફરોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
એસ.ટી. બસસ્ટેન્ડમાં બિનવારસી થેલામાં બોમ્બ હોવાની અફવાને પગલે આસી. કલેકટર કુમારી દેવાહુતી, મામલતદાર એચ.વી. ચાવડા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શંકાસ્પદ થેલામાં બોમ્બ હોવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ બોમ્બ સ્ક્વોડ ડિઝાસ્ટર ટીમને જાણ કરાતા ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત ની ટીમ પણ એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે દોડી આવ્યા હતા. પ્લેટફોર્મ પર પડેલ મુસાફરો તમામ સમાન ચેક કરવામાં આવ્યો હતો. તે દરમ્યાન પ્લેટફોર્મ નં – 7 પાસે એક શંકાસ્પદ થેલો મળી આવતા અને તેને ચેક કરાતા થેલા માથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. અને બિનવારસી થેલાને બસસ્ટેન્ડથી દૂર ખસેડવામાં આવ્યો હતો.
જીલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના મુજબ ગોંડલ એસ.ટી બસસ્ટેન્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ પર મળી આવેલ બિનવારસી થેલામાં કાઈ મળી ન આવતા અને વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરતા મુસાફરો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો.