ગોંડલના સડક પીપળીયા ગામે પોલીસના દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ પાઈપનું ઉત્પાદન કરનારા કારખાનેદારની ધરપકડ.

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે આવેલ ઓશિયન પાઈપ કંપનીના માલિક દ્વારા મુંબઈની સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદની એસ્ટ્રલ લિમિટેડ કંપનીના પરવાનગી વગર કોપીરાઈટનો ભંગ કરી ડુપ્લિકેટ પાઈપ બનાવતા હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી રૂા. 64,500નો મુદામાલ કબજે કરી કારખાનેદાર સામે કોપીરાઈટ ભંગની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદમાં રહેતા અને ખાનગી કંપનીમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરતા નીતિન ભીખાભાઈ પટેલ (ઉ.વ.45)એ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના નાનામવા મેઈન રોડ પર રહેતા કારખાનેદાર પિયુષ દામજીભાઈ રામાણીનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગોંડલના સડક પીપળિયા ગામે આવેલ આરોપીની ઓશીયન પાઈપ કંપનીમાં મુંબઈના સુપ્રીમ બ્રાન્ડ અને અમદાવાદની એસ્ટ્રલ બ્રાન્ડના પાઈપનું ઉત્પાદન કરી તેનો માર્કો મારી વેચાણ કરતો હોવાનું ફરિયાદીના ધ્યાન પર આવતા તપાસ કરી હતી.

જે બાદ ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસને સાથે રાખી સડક પીપળિળયા ગામે આવેલ ઓશીયન પાઈપ કારખાનામાં છાપો મારી તપાસ કરતા સુપ્રીમ બ્રાન્ડના રૂા.42,000ની કિંમતના પાઈપના 15 બંડલ અને એસ્ટ્રલ બ્રાન્ડના રૂા.22,500ની કિંમતના 6 બંડલ મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા હતા. પોલીસે રાજકોટના કારખાનેદાર સામે કોપીરાઈટ ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!