ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં ભવ્યતા, ભક્તિ અને ભાવનાત્મકતાના અદભુત દર્શન.
આજે બાળકો દ્વારા સામૂહિક શ્લોકગાન અને ૧૦૦થી વધુ છાત્રોના હનુમાન ચાલીસા પાઠ, મેરે દેવા મેરે ઘર આયો ભક્તિ સંધ્યા.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર પો.કમિ. રાજુ ભાર્ગવ, આર્ટ ઓફ લિવિંગના સભ્યો, આત્મીય યુનિ. હેડ ક્રિશાબેન, અર્પિત ગણાત્રા સહિત, સામાજિક, રાજકીય અગ્રણીઓએ સંધ્યા મહા આરતી – પૂજાનો લાભ લીધો.
રવિવારે સાંજે મેડિકલ ચેકઅપનો નિ:શુલ્ક કૅમ્પ, મહા રકતદાન શિબિર અને રાત્રે છાત્રોના ડાન્સ ટેલેન્ટ સાથે ભવ્ય ગેમ – શૉ.
ગણપતિ મહોત્સવના દિવસો જેમ જેમ પસાર થતાં જાય છે તેમ તેમ સમગ્ર ગુજરાતના સૌથી ભવ્ય અને જાજરમાન એવા ત્રિકોણબાગ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા દેવના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગણેશ ભકતો ઉમટી રહ્યા છે. ત્યારે મહોત્સવના ચોથા દિવસે શુક્રવારે રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહપરિવાર માનતાના દેવના દર્શને પહોંચી સાંધ્ય મહા આરતી કરી હતી. મહા આરતી બાદ અષાઢી ગાયક ઉમેદ ગઢવી, પ્લેબેક સિંગર હિનાબેન હિરાણી અને દેવ ઉસ્તાદની સંગીત ટીમે ધાર્મિક ગીતો, ભજન અને સૌરાષ્ટ્રના સંતોના પારંપરિક પદોની રચનાઓ પ્રસ્તુત કરતા ત્રિકોણબાગ ચોકમાં અધ્યાત્મનો રંગ ઘુંટાયો હતો. જે હજજારો રાજકોટવાસીઓએ મન ભરી માણ્યો હતો.
આજે શનિવારે સાંજે ૫:૩૦ કલાકે સેંકડો બાળકોની શ્લોકગાન સ્પર્ધા તેમજ ૧૦૦થી વધુ બાળકો દ્વારા હનુમાન ચાલિસાના સામૂહિક પાઠ થશે. આ પાઠમાં ભાગ લેનાર તમામ બાળકોને ઉત્કૃષ્ટ ભેટથી નવાજવામાં આવશે. જ્યારે રાત્રે ૯ કલાકે મેરે દેવા, મેરે ઘર આયો શીર્ષક અંતર્ગત
ભક્તિ સંધ્યા પ્રસ્તુત થશે. જ્યારે રવિવારે સાંજે ૫:૩૦ કલાકે જાહેર જનતા માટે સર્વ રોગ નિદાન – ચિકિત્સાનો નિ:શુલ્ક કૅમ્પ અને મહારક્તદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આયોજક જીમ્મીભાઈ અડવાણીએ શહેરીજનોને હાર્દિક અનુરોધ કર્યો છે.
ગઈકાલે શુક્રવારે શહેરની લબ્ધ પ્રતિષ્ઠિત આત્મીય યુનિ.ના હેડ ક્રિશાબેન ગણાત્રા, અર્પિત ગણાત્રા, આર્ટ ઓફ લિવિંગના સભ્યો અચ્યુત જાની, મહેન્દ્રભાઈ પૂજારા, આશિષ જાની, દિલીપભાઈ મોર, નિલેશભાઈ કુંડલિયા, પંકજભાઈ ગંદા, રેખાબેન ગંદા, મીનાબેન મોર, તથા ડૉ. માધવીબેન બારાઈ, વિરુભાઈ પરમાર, ભાનુબેન દિનેશભાઈ (પડધરી), આર.ડી. ગ્રુપના પરેશભાઈ પોપટ અને જ્યોતિબેન પોપટ સહિતના અગ્રણીઓએ ત્રિકોણબાગ કા રાજાના દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવી હતી. આવનારા દિવસોમાં બહેનોના દાંડીયારાસ, મ્હેંદી સ્પર્ધા, આરતી સુશોભન, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણની કથા સહિતના આયોજનો થનાર છે.
~ ખરા અર્થમાં “વિઘ્નહર્તા” સેવા પ્રદાતા ત્રિકોણબાગ કા રાજા ~
રાજકોટમાં હજારો પરિવારો સ્વગૃહે ગણપતિ સ્થાપન કરે છે. જોકે ક્યારેક કોઈપણ કારણોસર કોઈ અવાંછિત વિઘ્ન આવે ત્યારે પરિવારો સ્વગૃહે સ્થાપિત કરેલી ગણેશ પ્રતિમા ત્રિકોણ બાગ કા રાજાના પંડાલમાં પધરાવી જાય છે. વિસર્જનના બાકી રહેતા દિવસો સુધી આવી પ્રતિમાઓનું અહીં નિત્ય પૂજન કરીને તેને ભોગ ચડાવવામાં આવે છે, આરતી ઉતારવામાં આવે છે. વિસર્જન વેળાએ ત્રિકોણ બાગ કા રાજાની મુખ્ય પ્રતિમા સાથે જ આવી મૂર્તિઓનું પણ ભારે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવે છે. આમ ત્રિકોણ બાગ કા રાજા સાચા અર્થમાં એક વિઘ્નહર્તાની ભૂમિકા પણ ભજવી રહ્યું છે.