વિદેશી આક્રમણોથી બચાવવા “સોમનાથ”ના પ્રાચીન શિવલિંગને રાજકોટ જિલ્લાના સોમ પીપળીયા ગામે સ્થાપિત કરાયું જે “ઘેલા સોમનાથ”ના નામે ઓળખાયું.

*‘‘ઘેલા સોમનાથ’’ના શ્રાવણી મેળામાં ઉમટી રહયો છે માનવ મહેરામણ*

*આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેઠાણની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધઃ બંને સમય ભોજન પ્રસાદીની સુવિધાઃ ગૌશાળામાં ૧૫૦ ગાયોનો નિભાવઃરૂ. દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામો પ્રગતિમાં*

હાલમાં યાત્રાધામ ઘેલા સોમનાથના શ્રાવણી મેળામાં ભારતભરમાંથી માનવ મહેરામણ ઉમટતો રહે છે. આ તીર્થસ્થાન અનેક નાગરિકોનું આસ્થાસ્થાન છે. શ્રાવણ મહિનામાં ભારતભરમાંથી અહીં યાત્રાળુઓ આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલનારા આ મેળામાં અનેક ધાર્મિક કાર્યક્રમો લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહયા છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ “ઘેલા સોમનાથ”નો સોમનાથ સાથેના જોડાણનો ઇતિહાસ રસપ્રદ બની રહેશે.


વિક્રમની ૧૫ મી સદી એટલે કે વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત પર સુલતાન જાફર મોહમદની આણ વર્તાતી હતી. ત્યારે જુનાગઢ પર કુંવર મહિપાળનું શાસન ચાલતું હતું. ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ પર રા’મહિપાલને તથા રાણી મિનલદેવીને અનન્ય શ્રદ્ધા હતી. સુલ્તાન જાફર સોમનાથ પર ચઢી આવે છે એવી જાણ થતાં રા’એ તમામ શાખાના ક્ષત્રિયોને સોમનાથની સખાતે ચઢતા કહેણ મોકલ્યા.


લાઠીથી નોંઘણજી ગોહિલના પુત્ર હમીરજી ગોહિલ પોતાના કારભારી વેણીદાસ ગોરડિયા (કપોળ વણિક)ને સાથે લઇ સોમનાથની વ્હારે ચાલી નીકળ્યા. સોમનાથને રસ્તે જતાં કુંવર હમીરજી સાથે ગોરડકાથી ત્રીસ ધોડેસ્વારો થયા. વેણીદાસ ગોરડિયાના ચારેય પુત્રો ગોગન, ઘેલો, ગોઈયો અને કરશનજી તેમજ વેજલ ભટ અને મેહુર ભરવાડ પણ હમીરજી સાથે સોમનાથના રક્ષણ કાજે નીકળી પડ્યા. સૌ ક્ષત્રિય સોમનાથની વાટે જઇ રહ્યા હતા.
પ્રભાસના ગોંદરે જુનાગઢના રાજવી, વળાના ક્ષત્રિયો, ચુડાસમાઓ વગેરે ક્ષત્રિયો, ‘સોમનાથ દાદા’ ને પોતપોતાના પ્રદેશમાં ખસેડી જવાની વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાન ‘હિરાગરજી’ સામા મળ્યા. તેમણે કહ્યું કે “હું પ્રભાસથી આવું છું ‘સોમનાથ દાદા’એ મને સ્વપ્નમાં કહ્યું છે કે ‘સોમનાથ પાલખીએ ચઢે-આગળ પોઠિયો પડે-જયાં જયાં પોઠિયો જાય ત્યાં ત્યાં દાદો જાય, પોઠિયો બેહક પડે ત્યાં સ્થાપન થાય’ (અસલ ભાષામાં) (અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું, આગળ તેમનો પોઠિયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે, પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય.) હિરાગરજીની આ વાત સૌને ગળે ઉતરી, અને સૌએ કહ્યું કે ‘“ભલે ભલે ‘સોમનાથ દાદા’ની મરજી હોય ત્યાં જાય. ’’ ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યાં. “દાદા”ની પાલખી તૈયાર કરાવી, ‘“દાદા’”ની બાણને (લિંગ)ને પાલખીમાં પધરાવ્યું. જ્યારે સુલ્તાનને “દાદા”ની પાલખી “ગોરડકે” પહોંચ્યાના વાવડ મળ્યા ત્યારે તેના સૈન્યે ગોરડકાને ઘેર્યું. આ વખતે ધિંગાણું થયું. તેમાં ગોઇયો (વેણીદાસ ગોરડિયાનો દીકરો) મરાયો, તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી. આ વાવને “ગોઇયાની વાવ” કહેવામાં આવે છે જે હાલ પણ મોજુદ છે,
“સોમનાથ દાદા’”ની પાલખી આગળ ને આગળ નીકળી ગઇ છે, તેવા વાવડથી સુલતાન તેની પાછળ પડયો. ગોરડકાથી ચાલીશ કોશ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલખી પહોંચી ત્યાં સુલ્તાનનું સૈન્ય જઇ પહોંચ્યું. આ વખતે ચુડાસમાનું રક્ષકદળ જે પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલો ગોરડિયો પાલખીમાંથી કૂદી પડ્યો. પાલખી આગળ વધતી ચાલી, ઘેલો ગોરડિયાની સરદારી હેઠળ સુલ્તાનના સૈન્ય સાથે આઠ દિવસ સુધી ધિંગાણું ચાલ્યું…
*“ગોમન, ઘેલો, ગોઇયો, કરશન, વેજલ ભટ્ટ …*
*સોમનાથ, શરણે ગયા, રાખી ધારિયા વાટ….”*
જ્યારે એક બાજુ ધીંગાણું ચાલતું હતું ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી બે કૌશ દૂર ‘‘પોઠિયો’’ બેહક પડ્યો. ત્યાં આગળ તે જ જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન વેજલ ભટ્ટે કરાવ્યું અને પૂજા ભણાવી. ઘેલા ગોરડિયાને અમર બનાવવા આ સ્થાનકને “ઘેલા સોમનાથ”નું નામ આપવામાં આવ્યું. ઘેલા સોમનાથની સ્થાપનાના દિવસોમાં સુલ્તાનના સૈન્યના વેરણછેરણ થયેલા સૈનિકો ત્યાં ચઢી આવ્યા અને ત્યાં જ ધિંગાણું થયું. તેમાં વેજલ ભટ્ટ મરાયા. આ વખતે દાદાના બાણ ઉપર પણ તલવારના પ્રહારો પડ્યા હતા. જે આજે પણ શિવલીંગ પર કળાય છે. નદી કિનારે આવેલ ઘેલા સોમનાથ મંદિરની સામે જ પર્વત ઉપર જૂનાગઢના રાણી મિનળ દેવીએ સમાધિ લીધી હતી ત્યાં મીનળદેવીનું મંદિર પણ છે.

ઘેલા સોમનાથ મંદિરનું સંચાલન રાજકોટ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ દ્વારા થાય છે. જેના દ્વારા આ તીર્થસ્થળનો સગવડભર્યો સુંદર વિકાસ થઇ રહયો છે. અહીં સત્સંગ હોલ, આકર્ષક બગીચાઓ, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બંને સમય ભોજન પ્રસાદી પણ વિનામૂલ્યે અપાય છે. ટ્રસ્ટની પોતાની જ ગૌશાળા પણ છે. જેમાં ૧૫૦ જેટલી નાની મોટી ગાયો નિભાવ થાય છે. આ ઉપરાંત રૂ. દસ કરોડથી પણ વધુ રકમના શ્રી મીનળદેવી માતાજી મંદિરના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનું લોંન્ચીંગ તથા ઘેલા સોમનાથ મંદિર નજીકમાં એમ્યુઝમેન્ટ પાર્કના લોકાર્પણ થયા છે. જેનાથી યાત્રિકોને વધુ સગવડો મળશે અને પ્રવાસનને વેગ મળશે.
અંદાજિત રૂ. ૧,૮૬,૨૬,૦૦૦ ના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મીનળદેવી મંદિરનું રાજસ્થાની સેન્ડ સ્ટોનથી મારબલ ફલોરીંગ અંદાજિત રૂા. ૧૬,૯૦,૦૦૦ ના ખર્ચે, મંદિર ટેકરી ઉપર જવા માટે ૩.૬૫ મીટર પહોળાઈના પગથીયા તથા રેલીંગનું કામ રૂ. ૪૪૫૬૦૦૦ ના ખર્ચે , રૂ. ૬ લાખના ખર્ચે પગથીયાની બન્ને તરફ વચ્ચેના ભાગમાં વિશ્રામ કુટીર, રૂ ૪૪,૭૫,૦૦૦ ના ખર્ચે ટેકરીની ઉપરના ભાગમાં ગાર્ડન તથા રમતગમતની રાઈડ, રૂા. ૨૫,૬૫,૦૦૦ ના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, રૂ. ૩,૪૦,૦૦૦ ના ખર્ચે પગથીયા પાસે સેન્ડ સ્ટોનની ડેકોરેટીવ પ્રવેશદ્વાર, રૂ ર,૦૦,૦૦૦ લાખના ખર્ચે ધ્વજા દંડ શિખર ઉપરનું સ્ટીલ પ્લેટફોર્મ તથા સ્ટીલ સીડી તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે સબમર્શીબલ પંપ, વોટર પંપ, વોટર સ્ટોરેજ ટેન્ક તથા પાઈપ લાઈન તથા રૂ. ૨૧,૫૦,૦૦૦ ના ખર્ચે પાવર સપ્લાયની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

અહેવાલ:-પીયૂષ વાજા 

error: Content is protected !!