નારી વંદન ઉત્સવ- સ્વાવલંબન દિવસ:ગોંડલમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયોઃ વિવિધ યોજનાના મંજૂરીપત્રોનું તથા સહાયના ચેકનું વિતરણ કરાયું

Loading

 સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા રોજગાર ઇચ્છુક બહેનોને રોજગારી મળે તે હેતુથી ગોંડલ ટાઉન હોલ ખાતે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

        કાર્યક્રમના પ્રારંભે મામલતદારશ્રી વાય.ડી.ગોહેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર) શ્રી સોનલબેન રાઠોડએ નારી વંદન ઉત્સવની સમગ્ર રૂપરેખા આપી હતી.  નગરપાલિક કારોબારી સમિતિના ચેરમેનશ્રી ઓમદેવસિંહ જાડેજા, અવધ મહિલા મંડળના શ્રી નયનાબેન રાવલ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

અર્પણ ફાઉન્ડેશનના શ્રી હિતેશભાઈ રૈયાણી, ઉદ્યોગ ભારતીના મેનેજરશ્રી પ્રકાશભાઈ પંચમિયા તેમજ લિજ્જત પાપડના શ્રી અરુણાબેન પિત્રોડાએ કાર્યક્રમમાં મહિલાઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવો દ્વારા ‘‘વ્હાલી દીકરી યોજના’’ તેમજ ‘‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના’’ના મંજૂરી હુકમનું વિતરણ ૧૦ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું તેમજ ૩ સખી મંડળોને સહાયની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને સુવિધાઓની માહિતી આપવા માટે ૧૮૧ અભયમ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહિલા આર્થિક વિકાસ નિગમ વગેરેના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

        આ સ્વરોજગાર મેળામાં જિલ્લાની સ્વરોજગાર ઇચ્છુક અશિક્ષિતથી સ્નાતક અને અનુસ્નાતક સુધીના બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ મેળામાં બહેનોને રોજગારી આપવાના હેતુથી જિલ્લાની વિવિધ સરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો.

        આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવનાબેન રૈયાણી, રોટરી ક્લબના શ્રી જીગરભાઈ સાટોડિયા, નાયબ મામલતદારશ્રી એન.કે.લાખાણી, એ.એસ.આઇ.શ્રી ડી.સી.માઢક ઉપસ્થિત રહ્યા હતા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી (ગ્રામ્ય)શ્રી સીમાબેન શિંગાળાએ આભારદર્શન કર્યું હતું.

error: Content is protected !!