ગોંડલના બિલિયાળા નજીક અવધ ઇન્ડ.એરિયાના ગોડાઉનમાં કટિંગ સમયે જ SMC ત્રાટકીઃ ટમેટાના કેરેટ નીચે છૂપાવેલી 12084 બોટલ મળી.

રાજકોટના કૂખ્યાત બુટલેગર અલ્તાફ 6 આંગળીનો અડધા કરોડનો દારૂ ઝડપાયોઃ 3 જબ્બે, 19 ફરાર
દારૂ, 6 વાહન સહિત 1.07 કરોડનો મુદ્દામાલ કબજેઃ અલ્તાફના વિશ્વાસુ કૅશિયર વહીવટદાર તૌસીફ ઉર્ફે બાઘો, હિસાબનીશ રિયાઝ ઉર્ફે પિન્ટુ સહિત 19નાં નામ ખૂલ્યા
► અલ્તાફ ઉર્ફે છ આંગળી, થોરાળાના તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પીન્ટુએ પંજાબથી દારૂ મંગાવ્યો હતો: સ્થળ પરથી જંગલેશ્વરનો મહેબૂબ રફીક, ઈલીયાસ, ભેંસાણનો અલ્તાફ અને થોરાળાનો સોયબ પકડાઈ ગયા
રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસની ‘મહેરબાની’ બૂટલેગરો ઉપર વરસી રહી હોય તેવી રીતે ફરી મોટાપાયે દારૂની હેરાફેરી શરૂ થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. જો કે બૂટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂની બોટલો પહોંચાડી દેવાના બદઈરાદા ઉપર ‘બાજનજર’ રાખીને બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાણી ફેરવવામાં આવી રહ્યું છે.
આવો જ એક મોટો દરોડો ગત મધરાત્રે ગોંડલના બિલિયાળા ગામે પાડીને સ્ટેટ મોનિટરિંગ સેલે 50 લાખની કિંમતનો 1022 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે દરોડો પડ્યો ત્યારે જ કટિંગ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ દારૂનો આટલો મોટો જથ્થો રાજકોટના કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી, થોરાળાનો તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ મંગાવ્યો હોવાનું ખુલતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી નીરજા ગોટરુ અને એસપી નિર્લિપ્ત રાયના સુપરવિઝન તેમજ ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એન.પરમારે ગોંડલના બિલિયાળા ગામે આવેલા અવધ એસ્ટેટના ગોડાઉનમાં મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યાની બાતમી મળતા મધરાત્રે દરોડો પાડીને વિદેશી દારૂની 1022 પેટી દારૂ સાથે જંગલેશ્વરના મહેબુબ રફીક, ઈલિયાસ, ભેંસાણના અલ્તાફ અને થોરાળાના સોયેબ નામના બૂટલેગરોની ધરપકડ કરી હતી. દરોડા સ્થળ પરથી એક મોટો ટ્રક, દારૂની હેરાફેરી માટે મુકાયેલી બે પીકઅપ બોલેરો, બે આઈશર સહિત છ વાહનો કબજે કરવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મોટા ટ્રકમાં ટમેટાના કેરેટ નીચે છુપાવીને પંજાબથી આ દારૂ ગોંડલ લાવવામાં આવ્યો હતો અને અહીંથી રાજકોટ શહેર-જિલ્લો તેમજ જૂનાગઢમાં તેની સપ્લાય કરવાની હતી. જો કે તે પહેલાં જ મોટી સંખ્યામાં દારૂ પકડાઈ જતાં સ્થાનિક પોલીસ ઉપર તવાઈ આવવી નિશ્ર્ચિત મનાય રહી છે.
રથયાત્રાના દિવસે 1000 પેટીનું કટિંગ કરી નાખ્યાની કબૂલાત સ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલના બિલિયાળા ગામે દરોડો પાડીને દારૂની 1022 પેટી સાથે ચાર બૂટલેગરોની ધરપકડ કરી છે ત્યારે તેમની પ્રારંભીક પૂછપરછમાં એવો મોટો ખુલાસો થયો છે કે તાજેતરમાં જ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી જેમાં મહત્તમ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી અલ્તાફ ઉર્ફે છ આંગળી સહિતના બૂટલેગરોએ અહીં જ એક હજારથી વધુની દારૂની પેટીનું કટિંગ કરીને રાજકોટ તેમજ જૂનાગઢમાં સપ્લાય કરી દીધું હતું. આ કટિંગ થયાને ત્રણ જ દિવસ પૂર્ણ થયા છે ત્યાં આ લોકોએ બીજો ટ્રક મંગાવ્યો હતો. જો કે તે દારૂની સપ્લાય થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
દારૂની સપ્લાય રાજકોટ શહેર-જિલ્લાની સાથે જૂનાગઢમાં કરવાની હતી જાણવા મળ્યા પ્રમાણે અલ્તાફ ઉર્ફે છ આંગણી, થોરાળાના તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ દારૂની 1022 પેટી ભરેલો ટ્રક પંજાબથી મંગાવ્યો હતો ત્યારે તેનું કટિંગ રાજકોટ શહેર, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્યમાં કરવાનું હોવાનું ખુલ્યું છે. દારૂની આ સપ્લાય બોલેરો પીકઅપ વાન, આઈશર સહિતના નાના વાહનો મારફતે કરવાની હતી. એકંદરે કટિંગ થાય તે પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દેતા એક પણ પેટી બિલિયાળાથી બહાર નીકળી નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ત્રણ દિવસ પહેલાં જ દારૂનો મોટો જથ્થો ઉતરી ગયો’ને સપ્લાય પણ થઈ ગયો છતાં સ્થાનિક પોલીસ નિદ્રામાં રહેતાં તોળાઈ રહેલા પગલાં
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બિલિયાળા ગામેથી દારૂની 1022 પેટી પકડી પાડવામાં આવી છે ત્યારે મહત્ત્વની વાત એ પણ ગણાશે કે ત્રણ જ દિવસ પહેલાં દારૂનો એક આખેઆખો ટ્રક અહીં ઉતરી ગયો અને તેનું કટિંગ પણ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક પોલીસ નિદ્રામાં રહી ગઈ છે ત્યારે ત્રણ જ દિવસની અંદર બીજો ટ્રક ઉતરી ગયો છતાં તેનું ધ્યાન નહીં જતાં હવે તેની સામે આકરાં પગલાં તોળાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
દારૂ-જુગાર માટે રાજકોટ જિલ્લા નું ગોંડલ સ્વર્ગ સમાન !
સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા કે મીઠી નજર હેઠળ જાણે કે રાજકોટ જિલ્લાનું ગોંડલ દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોય તેવી રીતે છાશવારે અહીંથી ગોરખધંધા પકડાઈ રહ્યા છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ જિલ્લા નું પડધરીમાં દરોડો પાડીને ભેળસેળયુક્ત ડીઝલ પકડી પાડ્યું હતું ત્યારે અનેક વખત રાજકોટ રૂરલમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ ચૂકી છે તો મોટી સંખ્યામાં વિદેશી દારૂ પણ અહીંથી પકડાઈ રહ્યો હોવાને કારણે બેનંબરી ધંધાર્થીઓ માટે રાજકોટ જિલ્લો સ્વર્ગ સમાન બની ગયો હોય તેવું ચિત્ર ઉપસ્યા વગર રહેતું નથી ગોંડલ શહેરમાં પણ ઠેકઠેકાણે ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ પોલીસ ની મીઠી નજર થી થઈ રહ્યું હોય ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગોંડલ ના બુટલેગરો ના અડ્ડાઓ ઉપર પણ રેડ કરવી જરૂરી બની છે લોક ચર્ચાઓ મુજબ શહેરમાં બીલાડી ના ટોપ ની જેમ બુટલેગરો ફૂટી નીકળી પડ્યા છે આ બુટલેગરો ને 10 પેટી ઈંગ્લીશ દારૂ વેચવાની મંજૂરી વાળો ધનધો કરવાની છૂટ હોવાની લોક ચર્ચામાં જાણવા મળી રહ્યું છે.
error: Content is protected !!