ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુને ગોંડલ ખાતે CPR તાલીમ કેમ્પમાં નિષ્ણાત તબીબો ૧૨૦૦ પોલીસને આપશે પ્રાથમિક સારવારની તાલીમ.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુન રવિવારના રોજ ટાઉન હોલ, ગોંડલ ખાતે હ્રદયરોગ અંગેનો CPR(“CARDIO PULMONARY RESUSCITATION”) તાલીમ કેમ્પ સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યે દરમિયાન યોજાશે, જેમાં નિષ્ણાત તબીબો અંદાજે ૧૨૦૦ પોલીસને તાલીમ અપાશે. આ કેમ્પનું ઉદ્દઘાટન રેન્જ આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ કરશે. આ પ્રસંગે પોલીસના જવાનો ‘‘અંગદાન એ મહાદાન’’ અંગેનો મહાસંકલ્પ ગ્રહણ કરશે.
આ CPR કેમ્પમાં પોલીસ સ્ટાફને આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડિત વ્યક્તિના જીવ બચાવવાની પ્રાથમિક સારવારની તજજ્ઞ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
ગોંડલના ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા, જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા, ધોરાજીના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના મહાનુભાવો, એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય તથા ડીવાય.એસ.પીશ્રી હિંગોળદાન રત્નુ સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.