જસદણનાં વકીલો દ્વારા દસ્તાવેજ નોંધણીનો સમય વધારવા આવેદન.
જસદણ પંથકમાં ઘણા જ દસ્તાવેજો કરવાના બાકી હોય અને દસ્તાવેજ નોંધણીનું ભારણ મોટા પ્રમાણમાં હોય સબ રજીસ્ટર કચેરીનો સમય વધારવા માટે જસદણના વકીલો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જસદણના વકીલો દ્વારા સબ રજિસ્ટ્રાર તેમજ જસદણના ડેપ્યુટી કલેકટર રાજેશ આલ તથા જસદણ મામલતદાર એસ. જે. અસવાર સહિતનાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દર વધારવા માટે ૧૫-૦૪-૨૦૨૩ ની મુદત આપવામાં આવેલ છે.
હાલ દસ્તાવેજ નોંધાવા માટે જસદણ સબ રજીસ્ટાર કચેરીમાં ટાઈમ લીમીટ સવારના ૧૦-૩૦ થી ૫ -૧૦ વાગ્યા સુધીની હોવાથી બધા દસ્તાવેજ નોંધાવા માટેનો સમય મળતો નથી. અને ઘણા દસ્તાવેજો નોંધાવવાના રહી જવા પામે તેમ છે. જસદણ સબ રજીસ્ટાર કચેરીમાં તા. ૨૭/૦૩/૨૦૨૩ સુધીનુ વેઈટીંગ ચાલતુ હોય અને અધિકારીઓને ઇમરજન્સી દસ્તાવેજ કરવાના હોય ત્યારે જે તે પક્ષકારોએ સ્પેશ્યલ રોકાવુ પડે છે જેથી તેઓનુ શેડીયુલ જળવાતુ નથી હાલ ગુજરાત રાજયની બાવન જેટલી સબ-રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ નોંધવવા માટે સમય વધારવામાં આવેલ છે. તેથી જસદણ સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીનો સમય સવારના ૯-૩૦ થી સાંજના ૬ કલાક સુધી વધારવા અને રજાના દિવસે સબ રજીસ્ટાર કચેરી ચાલુ રાખી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવા માટે આવેદન પત્રમાં અંતમાં જસદણનાં વકીલો દ્રારા રજૂઆત કરવામાં આવી છે.