ગોંડલના યુવકને નવજીવન બક્ષતી ૧૦૮ની ટીમ.
હોળી ધુળેટી જેવા તહેવારો નિમિત્તે પણ લોકોની સેવામાં તૈનાત રહેનાર ૧૦૮ની ટીમએ ગોંડલ ખાતે નદીમાં ખાબકી ગયેલા યુવકને નવજીવન બક્ષ્યું હતું.
૧૦૮ ના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગોંડલ મોવિયા ચોકડી પાસે આવેલા પાંજરાપોળના પુલ પાસે પ્રકાશભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ નામનો યુવક પુલની પાળ પર બેઠો હતો, ત્યારે અચાનક નીચે નદીમાં ખાબકી જતાં, લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. એક જાગૃત નાગરિકે તુરંત જ ૧૦૮ ને જાણ કરતાં, ગોંડલ ૧૦૮ની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
૧૦૮ ટીમના આરોગ્યકર્મીશ્રી પ્રતાપભાઈ વાળાએ સમયસૂચકતાથી યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો. અચાનક નદીમાં ખાબકતા યુવકને માથાના ભાગે અને હાથમાં વધુ ઈજા થવા પામી હતી. અચાનક બનેલા આ સમગ્ર બનાવને લઈને પુલ પર ટ્રાફિકજામ થઈ જતાં તુરંત જ ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. યુવકને સત્વરે ૧૦૮ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.