જસદણના પ્રકૃતિ પ્રેમી ખેડૂતે અઢી વિધા જમીનમાં અઢીસો વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ સર્જી – વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે.
ફળ-ફૂલ, ઔષધિ, ઈંધણ સાથે ઓક્સિજન પૂરું પાડનારા વૃક્ષોનું વાવેતર કરી અબોલ પક્ષીઓનું આશ્રય સ્થાન બનાવી દીધું છે.
જસદણના બાયપાસ રોડ પર અંબાજી માતાજીના મંદિર પાસે વાડી ધરાવતા પ્રકૃતિ પ્રેમી અને પ્રગતિશીલ ખેડૂત અગ્રણી નરેશભાઈ છગનભાઈ ચોહલીયાએ પોતાની ગામતળની અઢી વીઘા જમીનમાં અઢીસો વૃક્ષો વાવીને પક્ષીઓના ભોજન-આશ્રયસ્થાન સાથે ઓક્સિજન સમી હરિયાળી ક્રાંતિ સર્જી છે. જેમાં અંજીર, આંબો, ચીક, સરગવો, રાવણા, રામફળ, સીતાફળ, જામફળ, દાડમ, ચીકુ, ફણસ, ગોલાબોર, બદામ, મોસંબી, તાઈવાન જામફળ, નારંગી, સંતરા, રામબોર, સફેદ રાવણો, ચણીયાબોર, નાળિયેરી, લીંબુ, કેળ, ચરૂ, વિદ્યા, પાણીવાળા તથા પાણી વગરના બીજોરા સહિતના ફળ-ફળાદી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાગ, સીસમડી, સપ્તપદી, આડા આસોપાલવ, ઉભા આસોપાલવ, ગોરખ, હળદરવો, મહુડો, કાજુ, બોરસલી, કણજી, જાસુદ, ગુલાબ, મોગરો, કિસ્મત સહીતના ફળ-ફૂલ અને ઔષધિ. ઉપરાંત પીપળ, વડલો, કડવો લીંબડો, મીઠો લીંબડો, ગુંદા, નેતર, વાંસ, ગુંદી, આંબલી, પીપળો, હળદરવો, આવળ, કેટકી, પરદેશી આંબલી, મહેંદી, થોર, ચંદન, ઉમરો, ખારેક, રક્તચંદન, કેસુડો, ચેરી, રાવણો, જાંબુડો, પ્લાસ્ટિવડ, સેતુરી, ચંપો, નિલગરી, સવન, કરેણ જેવા ફળફૂલ, ઔષધી અને પરંપરાગત ઓક્સિજન આપતા વૃક્ષો વાવી હરિયાળી લહેરાવી દીધી છે.
હજારો પશુ-પક્ષીઓ અને જીવજંતુઓને આશ્રયસ્થાન, ભોજન અને મીઠો છાંયડો મળે છે.
આ ઓક્સિજન ઉપવપનું નિર્માણ કરનાર ખેડૂત અગ્રણી નરેશભાઈ ચોહલીયાએ જણાવ્યું હતું કે, આ વૃક્ષો વાવવાથી ચકલા, કબુતર, હોલા, ખિસકોલી, ચિચિયારી, કાળી ચકલી, દરજીડો, કોયલ, પોપટ, કાબર, તેતર, નોળિયા, સરીસુપા, ઘો, ઉંદર, કુતરા, કોયલ, બગલો, ભેરણ, ચકરો, સસલા, સસુંદર જેવા હજારો પશુ-પક્ષીઓ અને જીવજંતુઓને આશ્રયસ્થાન, ભોજન અને મીઠો છાંયડો મળે છે. અહીં સતત પક્ષીઓના કલરવથી અને લીલી હરિયાળીથી અનેરો આનંદ ઉભરાય છે અને મનને પણ પરમ શાંતિ મળે છે.
દરેક ખેડૂતોએ પોતાની વાડી ખેતરના શેઢે-પાળે વૃક્ષો વાવવા જોઈએ: નરેશભાઈ ચોહલીયા,ખેડૂત અગ્રણી.
તમામ ખેડૂતોએ પોતાની વાડી ખેતરના શેઢે-પાળે વિવિધ પ્રકારના ફળ-ફૂલ, ઔષધીના ઝાડ જરૂરથી વાવવા જોઈએ. જેથી આપણને પણ ફળ-ફૂલ, ઔષધી અને ઈંધણ મળે. આ ઉપરાંત પશુ-પક્ષીઓને ભોજન આશ્રયસ્થાન મળે તેમજ શુદ્ધ ઓક્સિજન નુ નિર્માણ થાય અને પ્રકૃતિનું વાતાવરણ જળવાઈ રહે. જેથી દરેક ઘરે નાનું અથવા મોટું એક વૃક્ષ જરૂરથી વાવવું જોઈએ અને દરેક વાડી-ખેતરોના શેઢે-પાળે 25 થી 50 નાના-મોટા વૃક્ષો વાવવા જોઈએ. પ્રાકૃતિક વાતાવરણના નિર્માણ કાર્યમાં માનવ અવતાર તરીકે પોતાની જવાબદારી નિભાવી અને પ્રત્યેક પ્રાણીઓનું કલ્યાણ થાય તે અર્થે જરૂરથી ઝાડ ઉછેરવા જોઈએ.
અહેવાલ. તસવીર: પિયુષ વાજા જસદણ