ગોંડલનાં મરચાં વિશેની આ હકીકત તમે જાણો છો? રાજકોટ જિલ્લાના સૂકાં મરચાં ‘રેશમપટ્ટો’, ‘ઘોલર’ને હવે ‘સાનિયા’ ઓવરટેક કરી રહી છે.

Loading

 

રેશમપટ્ટોનું ચલણ યથાવત્ પણ તીખાશ અને રંગનો સુમેળ ધરાવતી અન્ય સંશોધિત જાતો ઓજસ, રેવાનું વાવેતર વધી રહ્યું છે

ગોંડલનું..’ મસાલાની સીઝન શરૂ થાય ત્યારે માર્કેટમાં આ વાક્ય ખૂબ સાંભળવા મળે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના રેશમપટ્ટો તથા ઘોલર મરચાંનો દબદબો મસાલા માર્કેટમાં છેલ્લા ૩૦ વર્ષથી સતત છવાયેલો છે. જો કે રેશમપટ્ટા અને ઘોલરને હવે લાલ મરચાંની અન્ય સંશોધિત જાત ‘સાનિયા’ ઓવરટેક કરી રહી છે. રંગ અને તીખાશ બંનેનું ઊંચું મૂલ્ય ધરાવતા લાલ સૂકાં મરચાંની માગ બજારમાં વધી રહી છે. જેના પગલે આ બંનેનો સુમેળ ધરાવતી સાનિયા ઉપરાંત ઓજસ, રેવા, ૭૦૨ વગેરે પ્રકારના મરચાંનું વાવેતર, ઉત્પાદન અને વેચાણ વધી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં લાલ મરચાંનો વાવેતર વિસ્તાર આશરે ચાર હજાર હેક્ટર જેટલો છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદાનાં મીઠાં જળ ઉપલબ્ધ થતાં, તેમજ વધુ ઉત્પાદન અને સારા ભાવ મળતાં હોવાથી હાઇબ્રિડ સૂકાં મરચાંનું વાવેતર વધી રહ્યું છે. રાજકોટ જિલ્લા સાથે જામનગર, મોરબી, અમરેલી જિલ્લાના વિસ્તારોમાં પણ લાલ મરચાંનું ઉત્પાદન થવા લાગ્યું છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાં વેચવા આવેલા ખેડૂત વિઠ્ઠલભાઈ શંભુભાઈ રાદડિયા કહે છે કે, તેઓએ આ વર્ષે પહેલી વાર હાઇબ્રિડ સાનિયા મરચાનું વાવેતર કર્યું હતું, જેનો તેમને સારું એવું ઉત્પાદન મળ્યું છે. મરચાંની ખેતીમાં ઉત્પાદન અને વળતર સારું મળતું હોવાથી તેઓ આ ખેતી તરફ વળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

એક તરફ ગૃહિણીઓમાં તૈયાર મસાલા લેવાનું ચલણ વધી રહ્યું છે, બીજી તરફ નમકીન, ફ્રાઈમ્સ સહિતના પેકેટ-ફૂડ્સ તથા ફાસ્ટ ફૂડ ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે. જેના કારણે લાલ મરચાના પાવડરની માગ વધી રહી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડની લેબોરેટરીના એગ્રોનોમિસ્ટ શ્રી પ્રદીપ કાલરિયાના જણાવ્યા પ્રમાણે, ફૂડ, મસાલા ઈન્ડસ્ટ્રીને રંગ અને તીખાશ બંને વધુ હોય તેવા લાલ સૂકાં મરચાં જોઈતા હોય છે. તેનું કારણ એ છે કે, મરચાં પાવડર પડતર રહે તેમ તેનો રંગ અને તીખાશ ઘટતા જાય છે. આથી ઊંચી તીખાશ અને રંગ ધરાવતાં મરચાંની માગ વધુ રહે છે. આથી સાનિયા, ઓજસ, રેવા, ૭૦૨ જેવા હાઇબ્રિડ મરચાંની જાતોનું વાવેતર વધી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વીઘા દીઠ મરચાંના ઉત્પાદનમાં ગોંડલ પંથકના ખેડૂતો સૌથી આગળ છે. સામાન્ય રીતે એક વીઘે આશરે ૩૦ મણ મરચાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ ગોંડલ પંથકમાં આશરે ૪૦-૫૦ મણ મરચાંનું ઉત્પાદન થાય છે.

 

આપણે ત્યાંના મરચાંની ઝાઝી નિકાસ થતી નથી. તેનું કારણ એ છે કે, દેશ અને વિદેશની માર્કેટમાં તીખા મરચાં – હોટ પાઈપરની માગ વધુ છે. મરચાંની તીખાશ એસ.એચ.યુ. (સ્કોવિલે હિટ યુનિટસ્)માં મપાય છે. વિદેશમાં નિકાસ માટે ૯૦ એસ.એચ.યુ. વાળા મરચાંની માગ હોય છે. જ્યારે ગોંડલ પંથકના મરચાંની એસ.એચ.યુ. ૩૦થી ૫૦ આસપાસ હોય છે.

દિવસે-દિવસે મસાલા ઉદ્યોગ વિકસી રહ્યો છે, ફૂડ ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે, ત્યારે મરચાંની ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ૧૦૦ કિલો મરચાંના આશરે ૪૦૦૦ રૂપિયાથી લઈ અને ૨૫ હજાર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ મરચાં વેચવા આવે છે. ગોંડલનાં મરચાંની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ, તેલંગણા સહિતના દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ છે. જેથી બહારના વેપારીઓ ખરીદી માટે અહીં આવતા હોય છે.

ગોંડલ યાર્ડમાંથી ૧૦ માસમાં ૧૨૦ કરોડનાં સૂકા મરચાં વેચાયાં

ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીશ્રી તરૂણ પાંચાણી જણાવે છે કે, હાલ સાનિયા મરચાં વેચાણ માટે વધુ આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ના એપ્રિલથી લઈને જાન્યુઆરીના અંત સુધીમાં ગોંડલ યાર્ડમાંથી ૧૨૦ કરોડ રૂપિયાથી વધુનાં સૂકાં મરચાનું વેચાણ થયું છે. જેમાં સૂકો પટ્ટો મરચાંનું વેચાણ રૂપિયા ૧૧૭ કરોડથી વધુનું છે. જ્યારે દેશી મરચાંનું વેચાણ રૂપિયા ૩ કરોડ જેટલું જ છે. ચાલુ સીઝનમાં ગોંડલ યાર્ડમાં ૬૦ હજાર ક્વિન્ટલ જેટલાં હાઇબ્રિડ સૂકા પટ્ટા મરચાં (સાનિયા, ઓજસ, રેવા, ૭૦૨, રેશમપટ્ટો સહિતની જાતો)ની આવક થઈ છે.

બિયારણ, પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ગુજરાત સરકારની સહાય-સબસિડી

ગુજરાત સરકાર દ્વારા હાઇબ્રિડ બિયારણ માટે ખેડૂતોને રૂપિયા ૨૦ હજાર પ્રતિ હેક્ટર દીઠ સબસિડી આપવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ માટે પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૮૦૦ની સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે છે. રાજકોટ જિલ્લા નાયબ બાગાયત નિયામક આર.કે. બોઘરાના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજકોટ જિલ્લામાં આશરે ૧૭૦૦ જેટલા ખેડૂતોને હાઇબ્રિડ બિયારણમાં સહાય અપાઈ છે. જ્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ માટે આશરે ૫૦૦ જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખેડૂતો ઘરઆંગણે નાનું પ્રોસેસિંગ યુનિટ નાખવા ઈચ્છતા હોય તો, રૂપિયા એક લાખ સુધીની સહાય અપાય છે. જ્યારે મોટી મશીનરી માટે પી.એમ. ફ્રૂટ મેંગો એનર્જી યોજના અંતર્ગત ૧૦ લાખ રૂપિયા સુધીની સહાય અપાય છે, તેમ સહાયક બાગાયત નિયામક શ્રી હિરેન ભીમાણીએ જણાવ્યું હતું.

error: Content is protected !!