જેતપુરના બુટલેગરના ફોનમાંથી પોલીસમેનની કોલ ડિટેઇલ નીકળી: 3 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ.
સ્થાનિક પોલીસની મીઠી નજર તળે દેશીદારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ૩૭૫ લીટર દેશી દારૂ અને ૪૧૯૦ લીટર આથો ઝડપી લીધો હતો
જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી મોટા પાયે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી. જેમાં તપાસ થતા જેતપુરના બુટલેગરના ફોનમાંથી પોલીસમેનની કોલ ડિટેઇલ નીકળી હતી. જે મામલે એસપીએ ૩ કોન્સ્ટેબલ સસ્પેન્ડને સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક પોલીસની મીઠી નજર તળે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવાગઢ ગઢની રાંગ પાસે ભાદર કાંઠે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીમાંથી ૩૭૫ લીટર દેશી દારૂ અને ૪૧૯૦ લીટર આથો કબ્જે કરેલ હતો. જેમાં બુટલેગર ખીમજી મોહન સોલંકી હાજર નહોતો મળ્યો અને એક અજાણ્યો શખ્સ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. એટલે કે કોઈ આરોપી એસએમસીના હાથમાં આવેલ નહીં. જે પછી બુટલેગર પકડાતા તેની કોલ ડિટેઇલ્સ ચેક કરતા સ્થાનિક પોલીસના પોલીસ કર્મીના સંપર્કમાં બુટલેગર હોવાનું જણાતા એસપીએ કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા, નિલેશ મકવાણાં અને જગદીશ ઘૂઘલને સસ્પેન્ડ કર્યા છે. જેને પગલે પોલીસ બેડમાં સન્નાટો વ્યાપી ગયો છે.
એસએમસીની રેડના એક કલાક પહેલા જ સસ્પેન્ડેડ ઘનુભા જાડેજા, નિલેશ મકવાણા બીજી રેડમાં હતા: શંકા દર્શાવતી એફઆઈઆર
એસએમસીની ટીમે જેતપુરમાં તા.૧૭/૧૧ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યા આસપાસ દરોડો પાડ્યો હતો. એસએમસી હેડ કોન્સ્ટેબલ રાણાભાઈએ નોંધાવેલી ફરિયાદમાં આ સમય દર્શાવ્યો છે. ૧૭/૧૧ના રોજ જેતપુર પોલીસ મથકે એક બીજી એફઆઈઆર પણ નોંધાઇ છે. જેમાં દેશી દારૂની ભઠ્ઠીનો દરોડો દર્શાવ્યો છે. જેમાં જેતપુર સિટી પોલીસના પીએસઆઈ કે.વી. પરમાર તેમાં ફરિયાદી બન્યા છે. જેમાં લખાયા મુજબ ભાદર નદીના કાંઠે, સ્મશાન પાસે નવાગઢની રાંગ પાસેથી ૬૦ લીટર દેશી દારૂ અને ૧૪૦૦ લીટર આથો, ૧૧ બેરલ, બે ગેસના બાટલાં સહિતના મુદ્દામાલ સાથે સંજય ઉર્ફે સવો મોહન સોલંકીને ઝડપી લીધેલ તે તેના ભાઈ ખીમજી સાથે મળી ભઠ્ઠી ચલાવતો હોવાની કબુલાત આપેલી. આ ફરિયાદમાં પીએસઆઈ પરમારે દરોડાનો સમય ૧૧:૩૦દર્શાવ્યો છે. અને તેમની સાથે હાલ સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલ ધનશ્યામસિંહ જાડેજા(ઘનુભા) અને નિલેશભાઈ મકવાણા દરોડાની કામગીરીમાં હોવાનું દર્શાવ્યું છે. એટલે કે એસએમસીની કામગીરીની એક કલાક પહેલા જ આ દરોડો પાડવામાં આવ્યો. જે શંકા ઉપજાવે તેવો છે.