રૂપાવટી પાસેથી પકડાયેલા બંને શખ્સોએ ૨૦ ચોરી કબૂલી:રૂ.૫.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત.
રાજકોટ રૂરલ એલ.સી.બીના પીઆઇ વી.વી.ઓડેદરા અને ટીમની કામગીરી:બન્ને શખ્સો રેકી કર્યા બાદ ધોળે દિવસે જ ચોરી કરતા:૨૦ ચોરીમાંથી બેમાં જ ગુન્હા નોંધાયા!
રાજકોટ જીલ્લાના ગોંડલ, કોટડાસાંગાણી, શાપર, લોધિકા, જામકંડોરણા અને આટકોટ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક માસમાં ૨૦ બંધ મકાનોમાં દિવસ દરમ્યાન ત્રાટકી ચોરી કરનાર બે આરોપી અશોક ઉર્ફે અશ્કો ઉર્ફે હરસુર ભીખાભાઈ વાઘેલા (રહે. રૂપાવટી, તા. ગોંડલ) અને અજય ઉર્ફે બોળીયો જેન્તી ઝાપડીયા (રહે. હાલ ગોંડલ સુરેશ્વર ચોકડી પાસે, મુળ ઈશ્વરીયા ગામ, તા.ગઢડા (સ્વામીના)ને એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહિલ,પીએસઆઈ ડી.જી.બડવા,એએસઆઈ મહેશભાઈ જાની,અમુભાઈ વીરડા અને નરેન્દ્રભાઈ દવે સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા બંને આરોપીઓને રૂપાવટી ગામેથી ઝડપી લઈ રૂ.૩.૯૮ લાખના સોનાના દાગીના,રૂા.૬૩ હજારના ચાંદીના દાગીના,બે મોબાઈલ,બાઈક અને રોકડા રૂ.૧.૩ લાખ સહિત રૂ.૫.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બંને આરોપીઓ બાઈક ઉપર કોઈપણ ગામમાં પહોંચી જતા હતા.ત્યાં રેકી કર્યા બાદ જે મકાનમાં તાળું હોય તેને નિશાન બનાવતા હતા.બધી ચોરીઓ દિવસ દરમ્યાન જ કરતા હતા.ક્રાઈમ બ્રાંચની તપાસમાં ગોંડલના ગુંદાળા ગામે અને શીવરાજગઢ ગામે ચોરી કરી હતી.જે અંગે ગોંડલ તાલુકા પોલીસમાં ગુના નોંધાયા હતા.
બંને આરોપીઓએ બાકીની જે ૧૮ ચોરીઓ કબુલી છે.તેમાં ગુના નોંધાયા નથી.જે સ્થળે ચોરી કરી તેમાં જામકંડોરણા અને તેના આગળ જતા કાલાવડ જતા રસ્તા પરથી, ગોંડલના માંડણકુંડલા, વોરાકોટડા, ચોરડી, દાળીયા, ગુંદાસરા, ભોજપરા, અનિડા, જામવાડી, વેજા ગામ, શાપર, કોટડાસાંગાણી, રામોદ, આટકોટના જૂના પીપળીયા, લોધિકાનો સમાવેશ થાય છે.
લસીબીના પીઆઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે,આરોપી અશોક અગાઉ ઘરફોડીમાં પકડાઈ ચુકયો છે.તે અજય સાથે બાઈક પર જતો પછી જે બંધ મકાન મળે તેની બહાર પોતે વોચમાં ગોઠવી અજય ચોરી કરવા મકાનમાં ઘુસી આરામથી ચોરી કરી જે દાગીના કે રોકડની ચોરી થતી તેનો બન્ને ભાગ પાડી લેતા હતા.જોકે આ લોકોએ વધુ ચોરી કરી છે કે કેમ?એ અંગે પણ બંનેને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે.