હિરાબાના પાર્થિવ દેહને નરેન્દ્રભાઇએ કાંધ – મુખાગ્ની આપી.
અંતિમ યાત્રા વાનમાં બેસી નરેન્દ્રભાઇ સ્મશાન સુધી ગયા: ચહેરા પર માતાના નિધનનો શોક સ્પષ્ટ દેખાતો હતો
ભારતને એક વૈશ્વીક લીડરની ભેટ આપનાર હિરાબા દામોદરદાસ મોદીનું આજે વહેલી સવાર નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માતૃ શોકમાં ડુબી ગયા છે આજે પી.એમ. એક સામાન્ય નાગરીકની માફક માતાની અંતિમ યાત્રામાં જોડાયા હતા. એક પુત્રની ફરજ નિભાવતા હિરાબાના પાર્થિવ દેહને કાંધ આપી અને મુખાગ્ની પણ અર્પણ કરી હતી. દેશના ટોચના નેતાઓએ શોક વ્યકત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાનું આજે સવારે 3.30 કલાકે નિધન થયું હતું. તેઓના સૌથી નાના પુત્ર પંકજભાઇ મોદીના ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં વૃંદાવન બંગલોઝ ખાતે પાર્થિવ દેહ લઇ જવામાં આવ્યો હતો. સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ દિલ્હીથી ગાંધીનગર આવી પહોચ્યા હતા. તેઓને માતાના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરી અને વંદન કર્યા હતા. ત્યારબાદ માતાના મૃત શરીરને કાંધ અર્પણ કરી હતી. એક સામાન્ય નાગરીકની માફક તેઓ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. એટલું જ નહી અંતિમ યાત્રા વાનમાં બેસી સ્મશાન સુધી ગયા હતા.
શાસ્ત્રોકત વિધી પ્રમાણે કરવામાં આવેલી અંતિમ વિધીમાં તેઓ સામેલ થયા હતા. માતાના પાર્થિવ દેહને મુખગ્ની પણ અર્પણ કરી હતી. નરેન્દ્રભાઇના ચહેરા પર માતૃશોક સ્પષ્ટ દેખાતો હતો. મોટાભાઇ સહિતના પરિવારના સભ્યોને તેઓ સતત સાંત્વના આપતા હતા.