ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર! ૩૦૦ કરોડનું ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ.
પાકિસ્તાનની અલસોહેલી બોટમાંથી પિસ્ટલ અને કારતૂસ પણ ઝડપાયા હોવાની વિગતો સામે આવી
ATS અને કોસ્ટગાર્ડને ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકવામાં સફળતા
ભારતીય દરિયાઈ પટ્ટી જાણે નશીલા પદાર્થો અને હથિયાર, ગોળા બારૂદ માટે કોરિડોર બની ગયો હોય તેવી રીતે વખતો વખત મોટી માત્રામાં નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે ઓખાના દરિયાઈ વિસ્તારમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં ડ્રગ્સ સહિત હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, ૨૫ અને ૨૬ ડિસેમ્બરની રાત્રે આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને પાકિસ્તાની જળ સીમા નજીક ભારતી દરિયાઈ સીમામાં પાકિસ્તાનની અલ સોહેલી નામની બોટમાં જોવા મળી હતી. આ બોટ શંકાસ્પદ લાગતાં બન્ને દળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પાકિસ્તાની બોટમાંથી હથિયાર, દારૂ ગોળા સહિત ૪૦ કિલો જેટલું ૩૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત, બોટમાં સવાર ૧૦ કૃ મેમ્બરને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ, ઝડપી પાડવામાં આવેલા ૧૦ પાકિસ્તાનીઓને ઓખા બંદર લઈ જવામાં આવશે આ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૮ મહિનામાં કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું આ ૭મું સંયુક્ત ઓપરેશન છે. આ સમયગાળામાં ૩૪૬ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. જેની અંદાજિત કિંમત ૧૯૩૦ કરોડ જેટલી નોંધવામાં આવી છે. આ સાથે જ, આ સમયગાળામાં ૪૪ પાકિસ્તાની અને ૭ ઈરાની આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.