બેન્ક, પોસ્ટ ઓફિસમાં એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ રાખશે ધ્યાન:બેન્ક, પોસ્ટના અધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી પંચની બેઠક યોજાઇ.
ઉમેદવારોને ચૂંટણી ખર્ચ ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારોમાં અગવડતા ના પડે તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીની બેન્કો, પોસ્ટ ઓફિસને સૂચના
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે શનિવારે બેન્ક અધિકારીઓ તેમજ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી વિવિધ આર્થિક લેવડ – દેવડ પર ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વખતે ઉમેદવારોને ખર્ચનું ખાતું ખોલાવવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ગોઠવવું. તમામ ઉમેદવારોને ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારો કરવામાં કોઈ અગવડ ના પડે તે જોવા ખાસ સૂચના આપી હતી.
તેમણે બેન્ક તેમજ પોસ્ટ અધિકારીઓને જણાવ્યું હતું કે, એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર સઘન ધ્યાન રાખવા તેમજ રૂપિયા ૧૦ લાખથી વધુના નાણાકીય વ્યવહારોની વિગતો ચૂંટણી પંચને આપવાની રહેશે. જો કોઈ શંકાસ્પદ વ્યવહાર ધ્યાનમાં આવે કે, અચાનક કોઈ ખાતામાંથી નાણાકીય વ્યવહારો વધી જાય તેના પર ધ્યાન રાખવા તેમજ ઉમેદવારોના સગા, સંબંધીઓના ખાતામાંથી થતાં નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખવા સૂચના આપી હતી.
બેન્કના વાહનો દ્વારા થતી નાણાંની હેરફેર વખતે સ્ટાફના ઓળખ પત્ર, આધાર, પુરાવા સાથે રાખવા તેમજ બેન્કના નાણાંની હેરફેર પણ ઓફિસ સમય દરમિયાન જ કરવા સૂચના આપી હતી.
પોસ્ટ ઓફિસમાંથી પણ વ્યક્તિગત કે જોઈ સમૂહ દ્વારા એકસાથે અચાનક વધુ પડતા નાણાકીય વ્યવહારો થવા લાગે તો તેના પર ધ્યાન આપવા અને તેની વિગતો ચૂંટણી પંચને આપવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી શ્રી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એ. કે. સિંઘ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર, લીડ બેન્કના મેનેજરશ્રી સંજય મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
433 thoughts on “બેન્ક, પોસ્ટ ઓફિસમાં એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ રાખશે ધ્યાન:બેન્ક, પોસ્ટના અધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી પંચની બેઠક યોજાઇ.”
Comments are closed.