રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે રાજકીય પોસ્ટર, બેનર ઉતારવાનું શરૂ : આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આપ્યા નિર્દેશ.
વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. ખાચરના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના રાજકોટ શહેરના નોડલ અધિકારીશ્રી આશિષ કુમાર તથા રાજકોટ ગ્રામ્યના નોડલ અધિકારીશ્રી ઇલાબહેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ, શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ, સરકારી ઈમારતો પર, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.
આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, સરકારી શાળાઓની દીવાલો પરના રાજકીય લખાણો, રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો વગેરે ઉતારવાની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેર તેમજ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. શહેર-જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની પાંચ કંપનીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.