182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ.

► પ્રથમ તબક્કા માટે તા. 5 નવેમ્બરે જાહેરનામુ: તા. 14 સુધી ફોર્મ ભરી શકાશે : બીજા તબક્કા માટે તા. 10 નવેમ્બરે જાહેરનામુ અને 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

બંને તબક્કાના મતદાન પર તા. 8 ડીસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે રાજ્યમાં મતગણતરી યોજાશે તેમજ કમુર્હુતાના પ્રારંભ પૂર્વે એટલે કે તા. 14 ડીસેમ્બર પૂર્વે રાજ્યમાં નવી સરકારની રચના થઇ જશે. ગુજરાતમાં પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહયો છે. પરંપરાગત હરિફ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ગુજરાતનું ચિત્ર રસપ્રદ બનાવી દીધું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં 4.9 કરોડ મતદારો માટે 1274 વિશેષ મહિલા મતદાન મથકો સાથે કુલ 51, 782 મતદાન મથકો પર બંને તબક્કાનું મતદાન યોજાશે અને કુલ 182 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજ્યમાં 182 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગો કરશે અને 80 વર્ષથી વધુના સિનિયર સિટીઝનો, દિવ્યાંગો મતદારો જે મતદાન મથક સુધી પહોંચી શકતા નથી તેઓ માટે ખાસ વોટ ફ્રોમ હોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

► બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન : તા. 8 ડીસેમ્બરના હિમાચલ સાથે જ મતગણતરી

ગુજરાતમાં ચૂંટણી જંગની જાહેરાત સાથે જ હવે આગામી દિવસોમાં રાજકીય પ્રવૃતિ ચરમસીમાએ પહોંચશે અને રાજકીય નેતાઓના પ્રવાસો પણ વધશે. આજથી જ ચૂંટણી આચારસંહિતા અમલી બની ગઇ છે અને તેથી સમગ્ર વહીવટી તંત્ર પણ ચૂંટણી પંચના હવાલે થઇ જશે. પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો અને બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકોનું મતદાન થશે. 2017માં જે રીતે ચૂંટણી પરિણામો આવ્યા તે મુજબ પ્રથમ તબક્કાની બેઠકમાં 49 સીટ ભાજપ પાસે છે 38 સીટ કોંગ્રેસ છે, એક સીટ બીટીપી અને એક સીટ એનસીપી પાસે છે. જ્યારે બીજા તબક્કાના મતદાનમાં જે 93 સીટઆવે છે તેમાં 51 સીટ ભાજપ પાસે, 39 સીટ કોંગ્રેસ પાસે અને 3 બેઠકો અપક્ષ પાસે છે. રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ તા. 23 ફેબ્રુઆરી-2023ના સમાપ્ત થાય છે. રાજ્યમાં કુલ 50 ટકાથી વધુ મતદાન કેન્દ્રોનું લાઈવ પ્રસારણ થશે જ્યારે તમામ મતદાન મથકોની વીડિયોગ્રાફી થશે.

 


ચૂંટણીમાં 9.87 લાખ મતદારો માટે ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધા
80 વર્ષથી ઉપરના મતદારો અને દિવ્યાંગ કેટેગરીમાં 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે સુવિધા
ચૂંટણી પંચે આજે ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો તેમાં હિમાચલ પ્રદેશની માફક જ રાજ્યમાં 80 વર્ષથી ઉપરના મતદારો માટે તેઓ ઘરેથી જ મતદાન કરી શકે તેવી સુવિધા આપવા ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ગુજરાતમાં 9.87 લાખ મતદારો આ કેટેગરીમાં આવે છે અને તેમાંથી જે મતદારો અગાઉથી નોંધણી કરાવશે તેમને વોટ ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ મતદાન કરી શકે તેવી સુવિધા અપાશે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ ઉપરાંત આગામી સમયની ચૂંટણીમાં આ પ્રકારની સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી છે.આ કેટેગરીમાં દિવ્યાંગ મતદારોમાં જેને 40 ટકાથી વધારે દિવ્યાંગતા હોય તેને પણ વોટ ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે અને આ માટે તેઓએ 12-ડી ફોર્મ ભરવાનું રહેશે.

► 142 મોડલ મતદાન મથકો; 1274નું મહિલાઓને તથા 33 મથકોનું યુવા કર્મચારીઓને સંચાલન

ચૂંટણી પંચે મોરબીની દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ આપી

ચૂંટણીની તારીખ જાહેર કરતા પહેલા…
 :ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાત પહેલા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેતરમાં મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. આ અંગેની વિગત મુજબ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાતી હતી જે ચૂંટણી પંચે આજે જાહેર કરી હતી. ચૂંટણી પંચે આ તારીખોની જાહેરાત કરતા પહેલા તાજેતરમાં મોરબીમાં ઝુલતા પુલ તુટી પડતા તેમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો.

► 4.9 કરોડ મતદારો-8.89 લાખ 80 વર્ષથી વધુની વયના મતદારો-ઘેર બેઠા મતદાન કરી શકશે : 4.26 લાખ યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિમાં C-vigil એપ. પર ફરિયાદ થઇ શકશે
નવી દિલ્હી,તા. 3 : વિધાનસભા ચૂંટણીમાં આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંબંધી ગેરરીતિ માટે ફરિયાદ કરવા એક ખાસ એપ જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે આજે માહિતી આપતા જણાવ્યું કે જો ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ કે અન્ય કોઇપણ પ્રકારનો પાવરનો દુરુપયોગ થતો હોય કે રાજકીય પક્ષો, ઉમેદવારો કે પછી તેના સાથેના ટેકેદારો કે અન્ય કોઇ રીતે મતદારોને લોભાવવા માટે અથવા તો ચૂંટણી સંબંધી કે મતદાન સંબંધી અને મતગણતરી સંબંધી કોઇ ગેરરીતિની માહિતી મળે તો તેનો તૂર્ત જ C-vigil ષર ફરિયાદ કરી શકાશે અને ફક્ત 100 મીનીટમાં આ ફરિયાદ અંગે એકશન લેવાશે. શ્રી રાજીવકુમારે જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા આજથી જ આ અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને કોઇપણ સંજોગોમાં ચૂંટણીમાં ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

ચૂંટણી કાર્યક્રમ
– પ્રથમ તબકકાનું જાહેરનામુ 4 નવેમ્બર
બીજા તબકકાનું જાહેરનામુ 10 નવેમ્બર

– પ્રથમ તબકકામાં 14 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે
બીજા તબકકામાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે

– પ્રથમ તબકકામાં ફોર્મ ચકાસણી 15 નવેમ્બર
બીજા તબકકામાં ફોર્મ ચકાસણી 18 નવેમ્બર

– પ્રથમ તબકાના ફોર્મ પાછા ખેંચવાની તારીખ 17 નવેમ્બર
બીજા તબકકાના ફોર્મ પાછા ખેંચવાની તારીખ 21 નવેમ્બર

– પ્રથમ તબકકાનું મતદાન 1 ડિસેમ્બર
બીજા તબકકાનું મતદાન 5 ડિસેમ્બર

– મત ગણતરી – 8 ડિસેમ્બર

પ્રથમ તબક્કાની ચૂંટણી મતદાનમાં ક્યા-ક્યા જીલ્લા ?
કચ્છ
મોરબી
સુરેન્દ્રનગર
જામનગર
રાજકોટ
જુનાગઢ
ભાવનગર
બોટાદ
દ્વારકા
પોરબંદર
ગીર સોમનાથ
અમરેલી
વલસાડ
નવસારી
ભરૂચ
નર્મદા
સુરત
તાપી
ડાંગ

બીજા તબક્કાની ચૂંટણી મતદાનમાં ક્યા-ક્યા જીલ્લા ?
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
અમદાવાદ
ખેડા
આણંદ
છોટા ઉદેપુર
દાહોદ
સાબરકાંઠા
અરવલ્લી
ગાંધીનગર
પંચમહાલ
મહીસાગર
વડોદરા, આમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

error: Content is protected !!